- બાતમીના આધારે પંચોનો સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચતા જ પોલીસે જોયું કે, તમામ કુંડાળું વળીને બેઠા છે.
31, ડિસે નજીક આવતા જ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેવામાં બાતમીના આધારે વડું પોલીસ દ્વારા ખુલ્લી જગ્યામાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પોણો ડઝન રસિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અને આ મામલે તમામ આરોપીઓની અટકાયત નહીં કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
વડું પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, 31 ડિસેમ્બરને ધ્યાને રાખીને પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન વાસણા રોડ નજીક પહોંચતા બાતમી મળી કે, વાસણા ગામની સીમમાં ખેતરમાં કેટલાક ઇસમો દ્વારા ખાણી-પીણીની પાર્ટી કરવામાં આવી રહી છે. જેના આધારે પંચોનો સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચતા જ પોલીસે જોયું કે, તમામ કુંડાળું વળીને બેઠા છે. અને મોટે મોટેથી બોલી રહ્યા છે. નજીક જઇને જોતા જ કુંડાળામાં ઇંગ્લીશ દારૂ, બીયર તથા ઠંડાપીણાની બોટલો જોવા મળી હતી.
પોલીસના દરોડાને પગલે સ્થળ પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે પોતાનું સમતોલન જાળવી ના શકનાર આરોપીઓનું એક પછી એક નામ-સરમાનું મેળવ્યું હતું. ઉપરોક્ત કાર્યવાહીમાં રૂ.9 હજારથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. અંધારમાં ટોર્ચ લાઇટના સહારે પંચનામું કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કાર્યવાહીમાં પ્રકાશભાઇ પ્રભાતભાઇ પરમાર (રહે. ગામેઠા, પાદરા, વડોદરા), ભાવેશકુમાર રમેશભાઇ પઢિયાર (રહબે. દાણોલી, પાદરા, વડોદરા), રજનીકાન્ત ઉર્ફે અજયભાઇ જેસંગભાઇ ઠાકોર (રહે. અનાખી, જંબુસર, ભરૂચ), મુકેશભાઇ ઉર્ફે મયુરભાઇ વસુદેવભાઇ પરમાર (રહે. કુરાલ, પાદરા), જયદિપસિંહ ફતેસિંહ ગોહિલ (રહે. મોભા, પાદરા, વડોદરા), જગદીશભાઇ જેસંગભાઇ જાદવ (રહે. વણાછકા, પાદરા, વડોદરા), રાજેશકુમાર ભગવાનપ્રસાદ સિંઘ (રહે. કોઠી, વડોદરા), કલ્પેશ ભાસ્કર ગાલફડે (રહે. વડોદરા) અને વિજયકુમાર જગદીશભાઇ પટેલ (વડું, વડોદરા) સામે વડું પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે તમામ આરોપીઓની અટકાયત કરવામાં નહીં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.