Vadodara

વડોદરામાં “હાથમાં વાટકા” લઈ વિરોધ: રાજ્ય પરના ₹3.50 લાખ કરોડના દેવા સામે સામાજિક કાર્યકરો રસ્તા પર.

Published

on

  • વિરોધનું સ્વરૂપ: હાથમાં વાટકા રાખીને પ્રતીકાત્મક રીતે આર્થિક સ્થિતિનો વિરોધ.
  • દેવાની વિગત: ગુજરાત પર ₹3,50,000 કરોડનું દેવું હોવાનો સામાજિક કાર્યકરોનો દાવો.
  • માંગણી: બિનજરૂરી ઉત્સવોના ખર્ચ પર અંકુશ અને દેવું ઘટાડવા માટેનો ચોક્કસ રોડમેપ.
  • સહભાગીઓ: ભાવિકા ચાંડોલે, રાજેશ માળી, મનીષ ગોસ્વામી, વિઠ્ઠલ આયરે અને સંગ્રામસિંહ કડુ સહિતના જાગૃત નાગરિકો.

ગુજરાત સરકાર એક તરફ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ અને ‘વિકાસના રોલ મોડલ’ના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ વડોદરાના સામાજિક કાર્યકરોએ રાજ્યની આર્થિક સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે ભાવિકા ચાંડોલે અને તેમની ટીમે “હાથમાં વાટકા” લઈ પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

સામાજિક કાર્યકરોનો આક્ષેપ છે કે સત્તાવાર આંકડા મુજબ ગુજરાત પરનું દેવું ₹3.50 લાખ કરોડના આંકડાને આંબી રહ્યું છે. જો ગુજરાત ખરેખર આર્થિક રીતે સધ્ધર હોય, તો દર વર્ષે હજારો કરોડનું નવું દેવું લેવાની જરૂર કેમ પડે છે? પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા માત્ર આ દેવાનું વ્યાજ ચૂકવવામાં હોમાઈ રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.

કાર્યકરોએ આવેદનપત્રમાં સરકાર પાસે ‘ફાઈનાન્સિયલ રોડમેપ’ની માંગ કરી છે. ઈવેન્ટ્સ પાછળ થતા આંધળા ખર્ચ પર અંકુશ મેળવી સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ જનતાનું જીવનધોરણ સુધરે તેવા પ્રયાસો કરવા વિનંતી કરી છે. જો સરકાર આ મામલે ગંભીરતા નહીં દાખવે તો આગામી સમયમાં રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાનની ચીમકી પણ આપવામાં આવી છે.

સામાજિક કાર્યકર ભાવિકા ચાંડોલે

“સરકાર દેવું કરીને ઉત્સવો ઉજવે છે, પણ આ બોજ આવનારી પેઢી અને યુવાનોના માથે ઝીંકાઈ રહ્યો છે. જો આ જ રફ્તાર ચાલુ રહી તો ભવિષ્યમાં ગુજરાતમાં પણ શ્રીલંકા જેવી આર્થિક કટોકટી સર્જાઈ શકે છે. આજે અમે વાટકા લઈને વિરોધ કર્યો છે કારણ કે કાલે જનતાએ ભીખ માંગવાનો વારો ન આવે.”

🧐વિકાસના દાવાઓ વચ્ચે વધી રહેલું આ દેવું ખરેખર ગુજરાતને કઈ દિશામાં લઈ જઈ રહ્યું છે તે એક મોટો પ્રશ્ન છે. સામાજિક કાર્યકરોનો આ અવાજ સરકાર સુધી પહોંચશે કે કેમ તે હવે જોવાનું રહ્યું.

Trending

Exit mobile version