સોસાયટીમાં બાંધવામાં આવેલા મંદિરમાં શેડ ખેંચીને તેને ભાડે આપવામાં આવતો હોવાનો આરોપ અન્ય રહીશો દ્વારા મુકવામાં આવ્યો છે
- સોસાયટીમાં બનાવેલા મંદિરમાં શેખ ખેંચી ભાડે આપવાનું શરૂ કરાયું
- મંદિરના સંચાલકો દ્વારા આવક ઉભી કરવાના પ્રયાસોમાં સ્થાનિકોને તકલીફ વધી
- તાજેતરમાં મોબાઇલ ટાવર ઉભો કરતા હોવાનું ધ્યાને આવતા લોકો એકત્ર થયા
- સ્થાનિકોએ એકીસૂરે મોબાઇલ ટાવર લગાડવાની વાતનો વિરોધ નોંધાવ્યો
વડોદરા ના વારસિયા વિસ્તારમાં આવેલી પરાગરજ સોસાયટી માં સ્થાનિક દ્વારા રહેણાંક વિસ્તારમાં મંદિર બનાવી દીધું છે. આ મંદિરમાં શેડ ખેંચીને જગ્યા ભાડે આપતા હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. મોડી રાત સુધી ધ્વનિ પ્રદુષણના કારણે સ્થાનિકોનું જીવવું હરામ થયું હોવાની વ્યથા તેમણે મીડિયા સમક્ષ વ્યક્ત કરી છે. આ સાથે જ તાજેતરમાં મંદિર ઉપર મોબાઇલ ટાવર બેસાડવાની હિલચાલ પણ સ્થાનિકોના ધ્યાને આવતા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
જો કે, મંદિરના ટ્રસ્ટી દ્વારા વળતા વશીકરણની ધમકી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સ્થાનિકોએ એકત્ર થઇને મંદિર બહાર પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં દબાણો દુર કરવા માટેની અરજી કરવામાં આવી છે.
વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બાંધવામાં આવેલા મંદિરમાં શેડ ખેંચીને તેને ભાડે આપવામાં આવતો હોવાનો આરોપ અન્ય રહીશો દ્વારા મુકવામાં આવ્યો છે. તાજેતરમાં મંદિર ઉપર મોબાઇલ ટાવરનો સામાન લઇ જવામાં આવ્યો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવતા તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ સામે પક્ષેથી વશીકરણની ધમકી આપવામાં આવી હોવાનું સ્થાનિકો મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે. આ સમગ્ર મામલે પરાગરજ સોસાયટીના રહીશો દ્વારા વડોદરા પાલિકાની ટાઉન પ્લાનીંગ શાખામાં દબાણો દુર કરવાની લેખિતમાં અરજી આપવામાં આવી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.
સમગ્ર મામલે સ્થાનિક મહિલા જહ્નાવી રાવલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હું પરાગરજ સોસાયટીમાં રહું છું. મારા ઘરની બાજુમાં જ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં રાતોરાત મોબાઇલ ટાવર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેનો સામાન નીચેથી ઉપર લઇ ગયા છે. તેઓ અમને ધમકી આપે છે, અમારૂ વશીકરણ કરાવીને, પ્રોપર્ટી લઇ લેશે, તમારાથી જે થાય તે કરી લો. મોડી રાત સુધી સંગીત ચાલે છે, પાર્કિંગ જ્યાં ત્યાં કરી દે છે, હાલ મંદિરના શેડમાં કિટી પાર્ટી ચાલી રહી છે.
આ મંદિર અંબે માતાજીનું છે. આ મંદિરના સંચાલકો વાસુદેવભાઇ અને મુકેશભાઇ છે. આ મંદિર છેલ્લા 5 વર્ષથી છે. અમને બહુ તકલીફ પડે છે. પહેલા તેઓ પ્રસંગો માટે હોલ ભાડે આપતા હતા. તેનાથી પૈસા કમાતા હતા. અમારી માંગ છે કે, અહિંયા શાંતિ જળવાઇ રહે, મોબાઇલ ટાવર ના બને, અને આજુબાજુમાં કોઇને પણ તકલીફ સહન ના કરવી પડે.