વડોદરા શહેર જીલ્લા સહીત રાજ્યના અનેક પોલીસ મથકોમાં શરાબની હેરાફેરી, મારામારી જેવા 50થી વધુ ગુન્હામાં સંડોવાયેલા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આરોપી પ્રદીપ ઠક્કર હાલ પાણીગેટ અને અમદાવાદના નરોડા પોલીસ મથકમાં પોલીસે ચોપડે વોન્ટેડ છે.
વડોદરા શહેરમાં ગુન્હાખોરીમાં અવ્વલ એવા પ્રદીપ ઉર્ફે જાડિયો ઠક્કર વિરુદ્ધ ચેઈન સ્નેચિંગ,લુંટ,ધાડ,ખૂનની કોશિષ,ખંડણી, અપહરણ,ઠગાઈ,વિદેશી દારૂનું હેરાફેરી તેમજ સંગ્રહ જેવા અનેક કેસો નોંધાયેલા છે. આરોપી પ્રદીપ ઠક્કર હાલ સુધી 50 ઉપરાંત ગુન્હાઓમાં પોલીસના હાથે પકડાઈ ચુક્યો છે. તેમ છતાય ગુન્હો કરવાનું છોડતો નથી.
શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે ગોત્રી ચેકપોસ્ટ પાસે પ્રદીપ ઉર્ફે જાડિયો ઠક્કર ઉભો છે. જે માહિતીના આધારે પોલીસે તેણે પકડીને પુછપરછ કરી હતી. આ દરમિયાન તે પોતે અમદાવાદના નરોડામાં શરાબની હેરાફેરીના કેસમાં તેમજ પાણીગેટ પોલીસ મથકમાં મારામારીના કેસમાં વોન્ટેડ હોવાનું જાણવા મળતા ક્રાઈમ બ્રાન્ચે તેની અટકાયત કરી હતી.
આરોપી પ્રદીપ ઠક્કરને ડામવા માટે પોલીસે તેણે 12 વખત રાજ્યની જુદી જુદી જેલમાં પાસા હેઠળ મોકલી આપ્યો છે. અને એકવખત વડોદરા શહેર માંથી હદપાર-તડીપાર પણ કરવામાં આવ્યો છે. તેમ છતાય ગુન્હો કરવાની ટેવને કારણે આરોપીએ ગુન્હાખોરીની લાંબી યાદી બનાવી દીધી છે.