- ગ્રામ પંયાયતના સભ્યોને રૂમમાં બેસવા દેવામાં આવતા નથી. તલાટી તેમના મળતિયા કોન્ટ્રાક્ટરો જોડે સભાખંડ અને રૂમોમાં મીટિંગ કરે છે.
વડોદરા ગ્રામ્યમાં આવતી અણખોલ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી જગદીશભાઇ સાધુ દ્વારા પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આરોપ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. જેથી મોટા ભાગના સભ્યોએ ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) ને પત્ર લખીને હિટલરશાહી ચલાવતા તલાટી જગદીશભાઇ સાધુની બદલી કરવાની માંગ કરી છે. અને જો તેમ નહીં થાય તો મોટા ભાગના ગ્રામ પંચાયત સભ્યો સામુહીર રાજીનામું આપશે, તેવું રજુઆતમાં જણાવ્યું છે. આ મામલે 7 દિવસમાં કાર્યવાહી કરવાની માંગ સાથે ધારાસભ્ય, દર્ભવતી, જિલ્લા વિકાસ અધિકારી – વડોદરા, તાલુકા વિકાસ અધિકારી, મુખ્યમંત્રી, પંચાયત મંત્રી અને ગુજરાત તકેદારી આયોગને પત્ર લખવામાં આવ્યો છે.
અણખોલ ગ્રામ પંચાયતના સભ્યોએ દર્ભવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ને ઉદ્દેશીને લખેલા પત્ર અનુસાર, અણખોલ ગામમાં હાલ જગદીશભાઇ સાધુ તલાટી કમ મંત્રી છે. તેઓ 03 – 09 – 2024 થી ગ્રામપંચાયતના સભાખંડમાં રહેવા આવી ગયેલા છે. તેઓ મંજુરી વગર પોતાનો સામાન લઇને રહેવા આવ્યા છે. ગ્રામ પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીએ સભાખંડ તરીકેની મંજુરી આપી હોય ત્યારે તેઓને તેનો રહેણાંક તરીકે ઉપયોગ કરવાની સત્તા નથી. તેઓએ સભાખંડ બહાર બોર્ડ માર્યું છે કે, પરમીશન વગર કોઇએ આવવું નહીં. અને પોતાને મનફાવે તેવો વહીવટ તેઓ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતના સભ્યોને પણ પુછવામાં આવતું નથી. વિકાસના કામો માટે પણ મીટિંગમાં કોઇ ચર્ચા-વિચારણા કરવામાં આવતી નથી.
પત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર, અણખોલ ગ્રામ પંચાયતમાં શ્રી રિધમ પટેલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓને તલાટીએ હેરાન-પરેશાન કરીને કાઢી મુક્યા છે. ઉપરાંત હાલના ગ્રામ પંચાયતના સભ્ય પરેશભાઇ પટેલને જગદીશ સાધુ ખોટી રીતે હેરાન-પરેશાન કરી રહ્યા છે. તેઓના વિરૂદ્ધ પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી છે. ઉપરાંત સરપંચના રૂમને લોક મારી દેવામાં આવ્યું છે. ગ્રામ પંયાયતના સભ્યોને રૂમમાં બેસવા દેવામાં આવતા નથી. તલાટી તેમના મળતિયા કોન્ટ્રાક્ટરો જોડે સભાખંડ અને રૂમોમાં મીટિંગ કરે છે. પોતાને મનફાવે તેવું મનસ્વીપણે અજુગતો વ્યવહાર કરે છે. અણખોલના ગ્રામજનો અને પંચાયત સભ્યો વચ્ચે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ તેઓ અપનાવી રહ્યા છે.
વધુમાં જણાવ્યા અનુસાર, તલાટીને ખબર છે કે, ગ્રામ પંચાયત પાસે મોટું ભંડોળ છે. તેઓ બિનજરૂરી કામો મંજુર કરી રહ્યા છે. અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. કામોની ગુણવત્તા એસ્ટીમેટ તથા મેજરમેન્ટ પ્રમાણે નથી. જેની તપાસ કરવા માટે તાત્કાલિક કમિટીની રચના કરીને વિડીયોગ્રાફી સાથે સેમ્પલ લઇને લેબોરેટરીમાં ગુણવત્તા ચકાસવા જણાવાયું છે. આ અગાઉ પણ તલાટીની બદલી માટે અરજી આપવામાં આવી હતી. તેના અનુસંધાને શું કાર્યવાહી કરવામાં આવી તે અંગેની વધુ માહિતી માંગવામાં આવી છે. તાત્કાલિક ધોરણે જગદીશભાઇ સાધુની બદલી કરવા માટે અને તેમની જગ્યાએ અન્યને મુકવા માટે ભલામણ સહ વિનંતી કરવામાં આવી છે.
અંતમાં જણાવાયું છે કે, તલાટી જગદીશભાઇ સાધુની બદલી કરવામાં નહીં આવે તો તેની હિટલર શાહી ના કારણે ગ્રામ પંચાયતના તમામ સભ્યો સામુહિક રાજીનામાં આપનાર છીએ. આગામી 7 દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગ્રામ પંચાયતને તાળાબંધીની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે.