વડોદરા ગ્રામ્ય પોલીસ અંતર્ગત આવતા વડું પોલીસ મથક હદ વિસ્તારમાં ખેતરમાં લીલોતરી વચ્ચે ખુલ્લામાં મુકેલી દારૂની પેટીઓ એલસીબીના જવાનોને મળી આવી છે. સંયુક્ત બાતમીના આધારે સ્થળ પર પ્રોહીબીશનની રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસને સફળતા મળી છે. આ કાર્યવાહીમાં સંડોવાયેલા એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
વડું પોલીસ મથકમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં બે પોલીસ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી હતી કે, માસર ગામની સીમમાં બ્રાહ્મણવશી તરફ જવાના રસ્તે બ્રિજેશભઆઇ પટેલ ઉર્ફે લાલો વિનુભાઇ પટેલના દિવાલાના વાવેતર વાળા ખુલ્લા ખેતરના શેઢા પર ઝાડી ઝાંખરામાં અતુલ બીપીનભાઇ દેસાઇ (રબારી) (રહે. મોભા સ્ટેશન, પાદરા) તથા રમેશભાઇ ઉર્ફે દપો સુરસંગ પરમાર (રહે. માસર, પાદરા) દ્વારા ભેગા મળીને વિદેશી દારૂનો જથ્થો સંતાડી તેનું છુટ્ટકમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પંચના માણસોને સાથે રાખીને ખેતરમાં પ્રોહીબીશનની રેડ કરવામાં આવી હતી.
રેડમાં ખેતરના ઝાડી ઝાંખરામાંથી દારૂની છુટ્ટી પેટીઓ મળી આવી હતી. આ કાર્યવાહીમાં પોલીસને વિદેશી દારૂની 26 પેટીઓ મળી છે. જેમાં કુલ 747 ટીન-બોટલો મળી આવી છે. જેની કિંમત રૂ. 78 હજાર જેટલી આંકવામાં આવી છે. ઉપરોક્ત કાર્યવાહી અંગે અતુલ બીપીનભાઇ દેસાઇ (રબારી) (રહે. મોભા સ્ટેશન, પાદરા) તથા રમેશભાઇ ઉર્ફે દપો સુરસંગ પરમાર (રહે. માસર, પાદરા) સામે વડું પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ પૈકી અતુલ બીપીનભાઇ દેસાઇ (રબારી) (રહે. મોભા સ્ટેશન, પાદરા) ની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે