દેશભરમાં સવર્ણ સમાજના આક્રોશ અને ભાજપના જ કેટલાક નેતાઓના વિરોધ વચ્ચે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નવા નિયમો મામલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક હસ્તક્ષેપ કર્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ નવા નિયમોના અમલીકરણ પર તાત્કાલિક રોક (Stay) લગાવી દીધી છે.
- નિયમોનો દુરુપયોગ થવાની ભીતિ: સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે આકરા શબ્દોમાં કહ્યું કે, “UGCના આ નવા નિયમો અત્યંત અસ્પષ્ટ છે અને તેનાથી સમાજમાં વિભાજન થવાની તેમજ નિયમોનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે.”
- 75 વર્ષ પછી પણ જાતિવાદ: કોર્ટે ટિપ્પણી કરી કે આઝાદીના 75 વર્ષ બાદ પણ દેશ જાતિઓના જાળમાંથી બહાર નથી આવી શક્યો. જસ્ટિસ બાગચીએ ઉમેર્યું કે, આપણે એવી સ્થિતિમાં નથી પહોંચવું જ્યાં અમેરિકાની જેમ બાળકોએ શ્વેત અને અશ્વેતની અલગ શાળાઓમાં ભણવું પડે.
- ધારા 3(C) પર સવાલ: વરિષ્ઠ વકીલ વિષ્ણુ શંકર જૈને દલીલ કરી હતી કે UGCની ધારા 3(C) ગેરબંધારણીય છે કારણ કે તે અમુક જ વર્ગોને રક્ષણ આપે છે અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને બાકાત રાખે છે.
- જૂની વ્યવસ્થા યથાવત: કોર્ટે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી નવી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી 2012ના જૂના નિયમો જ શૈક્ષણિક સંસ્થાઓમાં લાગુ રહેશે.
🫵સુપ્રીમ કોર્ટે હવે આ મામલે આગામી સુનાવણી 19 માર્ચ 2026 ના રોજ નક્કી કરી છે. ત્યાં સુધી કેન્દ્ર સરકાર કે UGC આ નવા ઇક્વિટી નિયમોનો અમલ કરી શકશે નહીં.