દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયાથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. બુધવારે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં દેશના એક પ્રભાવશાળી સાંસદ સહિત કુલ 15 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. લેન્ડિંગની ગણતરીની મિનિટો પહેલા જ વિમાન પહાડોમાં ખાબકતા આખી દુનિયામાં આ સમાચારથી શોકની લહેર પ્રસરી ગઈ છે.
કોલંબિયાની સરકારી એરલાઇન SATENA દ્વારા સંચાલિત ‘Beechcraft 1900’ વિમાને બુધવારે સવારે 11:42 વાગ્યે કુકુટાથી ઓકાણા જવા માટે ઉડાન ભરી હતી. જોકે, લેન્ડિંગની માત્ર 11 મિનિટ પહેલા જ રડાર સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનનો છેલ્લો સંપર્ક ‘કૅટટુમ્બો’ (Catatumbo) ના પહાડી ક્ષેત્ર ઉપર નોંધાયો હતો, જે બાદ તુરંત સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.
2. દુર્ગમ પહાડોમાં પ્લેનનો કાટમાળ મળ્યો
ઘટનાની ગંભીરતા જોતા એરોસ્પેસ ફોર્સ અને બચાવ ટીમો કામે લાગી હતી. સઘન શોધખોળ બાદ કૅટટુમ્બોના અત્યંત પથરાળ અને દુર્ગમ વિસ્તારમાંથી વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે પ્લેનમાં સવાર 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ એમ તમામ 15 લોકોના આ અકસ્માતમાં મોત થયા છે.
3. દિગ્ગજ રાજકીય હસ્તીઓએ જીવ ગુમાવ્યા
આ માત્ર વિમાન દુર્ઘટના નથી, પરંતુ કોલંબિયા માટે મોટો રાજકીય ફટકો પણ છે. આ અકસ્માતમાં:
ડિયોજેનેસ કિંતેરો: કોલંબિયાની સંસદ (ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ) ના સભ્ય.
કાર્લોસ સાલ્સેડો: આગામી ચૂંટણીના મજબૂત ઉમેદવાર. સાંસદ વિલમર કેરિલોએ પોતાના સાથીદારના નિધન પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે.
4. અકસ્માતનું કારણ શું?
હાલમાં સિવિલ એવિએશન એજન્સી દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ વિસ્તારના ખરાબ હવામાન અથવા ટેકનિકલ ખામી જવાબદાર હોઈ શકે છે. સરકારે મૃતકોના પરિજનો માટે સ્પેશિયલ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે.
પહાડી વિસ્તારોમાં વિમાન ઉડાવવું હંમેશા જોખમી રહ્યું છે, પરંતુ એક સાથે આટલી મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ અને નાગરિકોના મોતથી કોલંબિયા અત્યારે શોકમાં ડૂબેલું છે