જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામની સીમમાં એક ઓરડીમાં ખેતી કામ કરી જીવન પસાર કરી રહેલા 75 વર્ષના વૃદ્ધ કુબેરભાઈ જબુભાઈ ગોહિલની નિર્મમ રીતે હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઇ હતી. કાળ પણ કંપી ઉઠે તેવી આ ઘટનામાં માથું કાપીને લઇ ગયેલા હત્યારાઓને શોધવા માટે જિલ્લા પોલીસ તંત્રના અધિકારીઓ સહિત 100 જેટલા પોલીસ જવાનો અને 100 જૈટલા GRD જવાનો મળી 200 જેટલા પોલીસ જવાનોએ વહેલી સવારથી શોધખોળ શરૂ કરી દીધી છે. અલબત્ત પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. જોકે, કાળજું કંપાવતી આ ઘટનાના કોઇ સગડ પોલીસને મળ્યા નથી.
ચોકારી ગામની સીમમાં રહેતા 75 વર્ષના વૃધ્ધનુ માથું કાપીને લઇ જવાની બનેલી ઘટનાએ વડુ પંથકમાં હાહાકાર મચાવી મૂક્યો છે. કાળ પણ કંપી ઉઠે તેવી હચમચાવી નાખે તેવી આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ અને ડીવાયએસપી બી.એચ. ચાવડાના માર્ગદર્શન હેઠળ વડુ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એચ.પી. ચૌહાણ, એલસીબી પીઆઇ કૃણાલ પટેલ, એસ.ઓ.જી. અને તેમની ટીમોના 100 જેટલા પોલીસ જવાનો તેમજ GRD ના 100 જવાનો મળી 200 ઉપરાંત જવાનો આસપાસના ત્રણ કિલોમીટર સુધીના ખેતરો ખૂંદી નાખ્યા છે. પરંતુ હજુ સુધી પોલીસને કોઇ કડી મળી નથી.
વૃધ્ધનુ માથું કાપીને લઇ ગયેલા હત્યારાઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડની ટીમ પણ કામે લાગી છે. ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ ઘટના સ્થળેથી બે કિલોમીટર સુધીના વિસ્તારમાં શોધખોળ કરી ચૂકી છે. પરંતુ, હત્યારા કંઇ દીશા તરફ વૃધ્ધનું માથું લઇને ભાગ્યા છે તે દીશા પણ નક્કી થઇ નથી.
એસ.પી. રોહન આનંદ અને ડીવાયએસપી બી.એચ. ચાવડાના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, વૃધ્ધ કુબેરભાઇ ગોહિલના હત્યારાઓને માથાં સાથે પકડવા જિલ્લા પોલીસ માટે પડકારરૂપ છે. જોકે, વિવિધ દીશામાં અને વિવિધ એંગલો ઉપર તપાસ કરવામાં આવી રહી છે. ગણતરીના કલાકોમાં માથાં સાથે ફરાર થયેલા હત્યારાઓને શોધી કાઢીશું.
ઉલ્લેખનીય છે કે, કુબેરભાઇ ગોહિલ પોતાના ખેતરમાં બનાવેલી ઓરડીમાં એકલા રહેતા હતા. તેઓ ખેતી સાથે ખેતરમાં આવતા વાંદરાઓને દૂર રાખવાનું કામ પણ કરતા હતા. તેઓ છેલ્લે દાજીબાવાના પરા વિસ્તારમાં ભાથીજી મહારાજના પાટોત્સવની ઉજવણી ચાલી રહી હતી. તે પાટોત્સવ દરમિયાન નીકળેલી શોભાયાત્રામાં જોવા મળ્યા હતા.