કન્યાદાનનો લ્હાવો:દાતાઓ અને મંદિર પરિવાર દ્વારા કરિયાવરમાં નવદંપતીઓને ભેટ આપી સુખદ સંસારની કરાઈ કામના.
પાદરા: વડોદરા જિલ્લાના પાદરાના આસ્થાના કેન્દ્ર સમાન પાતાળિયા હનુમાન મંદિર ખાતે ગત 3 મેના રોજ એક યાદગાર સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. 14 નવદંપતીઓએ પવિત્ર અગ્નિની સાક્ષીએ લગ્નગ્રંથિથી જોડાઈને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.
🧐ભવ્ય શોભાયાત્રા:
લગ્નોત્સવની શરૂઆત વહેલી સવારે પાદરાના ગાયત્રી મંદિરથી થઈ હતી. ડીજેના તાલે અને બેન્ડ-વાજાના સુરે નીકળેલો ભવ્ય વરઘોડો આખા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પાતાળિયા હનુમાનજીના સાનિધ્યમાં પહોંચતા જ ભક્તિ અને મંગલ ગીતોના સૂર સાથે લગ્નવિધિ શરૂ થઈ હતી.
👉મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર તેમજ ભાજપ અગ્રણી ચિરાગ પટેલ અને સંજય પટેલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના પ્રવચનમાં મંદિર દ્વારા કરવામાં આવતી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી, જ્યારે અન્ય મહાનુભાવોએ નવદંપતીઓને વ્યસનમુક્તિ અને ઉમદા જીવનમૂલ્યો સાથે સુખી દાંપત્ય જીવન જીવવાનું માર્ગદર્શન આપ્યું હતું.
🙏સેવા અને સમર્પણ:
મંદિર પરિવાર અને પાદરાના વિવિધ ઉદાર દાતાઓ દ્વારા કન્યાદાન સ્વરૂપે જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ નવદંપતીઓને ભેટ આપવામાં આવી હતી. આ પ્રથમ સમૂહ લગ્નોત્સવની સફળતાએ સમગ્ર પાદરા પંથકમાં ભક્તિ અને સેવાના સમન્વયના દર્શન કરાવ્યા હતા.
સામાજિક સમરસતાના આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે જ્યારે ભક્તિ અને સામાજિક જવાબદારી હાથ મિલાવે છે, ત્યારે સમાજ માટે કંઈક વિશેષ સર્જાય છે. પાતાળિયા હનુમાન મંદિરની આ પહેલને પાદરાવાસીઓએ હોંશે હોંશે વધાવી લીધી છે.