બહાર આવેલા મિત્રએ બાંબુની મદદથી પાણીમાં ગરકાવ મિત્રને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમાં તેઓ સફળ રહ્યા ન્હતા
વડોદરા ના લક્ષ્મીપુરા તળાવમાં ઓવરસ્પીડ માં આવતી કાર ખાબકી છે. આ કારમાં સવાર બે યુવાનો પૈકી એક યુવાન બહાર નીકળવામાં સફળ થયો હતો. જ્યારે અન્ય યુવાનનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને પગલે ઝડપખોરો પર લગામ કસવા માટે તંત્રએ વધુ મહેનત કરવી પડશે તેમ લાગી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને હાલના કોર્પોરેટર શ્રીરંગ આયરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બચાવ કાર્યમાં જોડાયા હતા. આ કાર કુદીને સીધી તળાવની મધ્યમાં પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Advertisement
વડોદરામાં સપ્ટેમ્બર માસમાં વડોદરાના ખટંબા તળાવમાં વિદેશી વિદ્યાર્થીને લઇ જતી કાર મોડી રાત્રે ખાબકી હતી. જેમાં એકનું મોત નિપજ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. આ ઘટનાને પગલે સ્પીડમાં જતી કાર અને તળાવોની આસપાસ જરૂરી સેફ્ટી વોલનો મુદ્દો સપાટી પર આવ્યો હતો. આ વાતને ત્રણ મહિના વિત્યા બાદ ઘટનાનું પુનરાવર્તન થવા પામ્યું છે. ગતમોડી રાત્રે શહેરના લક્ષ્મીપુરા રોડ પર સ્પીડમાં જતી કાર લક્ષ્મીપુરા તળાવમાં ખાબકી હતી. આ કારમાં બે યુવાનો સવાર હતા. તે પૈકી એક યુવાન જેમ તેમ કરીને કારમાંથી બહાર નીકળીને પોતાનો બચાવ કરવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય યુવાનનું મોત નિપજ્યું હતું.
કાર તળાવમાં ખાબકી ત્યારે એક યુવાન તેમાંથી બહાર નીકળીને પાછળના ભાગ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. તે દરમિયાન સ્થળ પર બુમાબુમ થઇ ગઇ હતી. ઘટના અંગે જાણ થતા જ પૂર્વ કોર્પરેટર રાજેશ આયરે અને હાલના કોર્પોરેટર શ્રીરંગ આયરે સ્થળ પર દોડી આવ્યા હતા. અને બચાવ કાર્યમાં જોડાયા હતા. ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનામાં કેતન પ્રજાપતિ નામના યુવકનું મોત નિપજ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મોડી રાત સુધી ત્રણ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. કાર હજી પણ તળાવમાં જ ગરકાવ હોવાનું જાણવા મળી રહ્યું છે.
Advertisement
આ તકે વડોદરાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ એ મીડિયાને જણાવ્યું કે, વડોદરા ફાયર સર્વિસને કોલ મળતા વડીવાડી અને જીઆઇડીસી ફાયર સ્ટેશનથી ટીમ સ્થળ પર દોડી આવી હતી. આસપાસના લોકો દ્વારા મળેલી માહિતીના આધારે અમે ત્વરિત કામગીરી શરૂ કરી હતી. એક યુવાન અંદર પડ્યો હોવાનું અમે જાણ્યું હતું. તળાવમાં ખાબકેલી કાર અમને મળી ગઇ હતી. પરંતુ આજુબાજુના રાહદારીઓએ પણ લોકેશન શોધવામાં ઘણી મદદ કરી હતી. અમે યુવકને શોધીને તાત્કાલિક હોસ્પિટલ રવાના કર્યો છે. અમારી પાસે મળેલી માહિતી અનુસાર, કારમાં બે-ત્રણ યુવાનો હતા. તે પૈકી એક બહાર આવી ગયા હતા. જે ફસાઇ ગયા હતા, તેમને શોધી કાઢવામાં આવ્યા હતા. કાર શોધી કાઢીને તેને રસ્સા વડે બાંધી દેવામાં આવી છે. અને સ્થિર કરી દેવામાં આવી છે. ક્રેન મારફતે તેને બહાર કાઢવામાં આવશે.
Advertisement
રેસ્ક્યૂઅરે મીડિયાને જણાવ્યું કે, વાયરલ વીડિયો અમારા સુધી પહોંચ્યો હતો. તેના આધારે એક્ઝેટ લોકેશન મળ્યું હતું. બે પ્રયાસે અમને કારની ભાળ મળી હતી. ત્યાર બાદ વ્યક્તિ બહાર આવી ગયો હોવાનું જાણવા મળતા અને કારની આસપાસના 20 ફૂટના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. તેટલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બહાર આવેલા મિત્રએ બાંબુની મદદથી પાણીમાં ગરકાવ મિત્રને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમાં તેઓ સફળ રહ્યા ન્હતા. કારને બાંધવા માટે હું જાતે ઉતર્યો હતો.