શિક્ષક દિન નિમિત્તે વડોદરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરાયા
શિક્ષકનું સ્થાન સમાજમાં સર્વોચ્ચ છે, વિકસિત ભારત માટે શિક્ષકોનું યોગદાન અતિ મહત્વપૂર્ણ: સાંસદ ડો. હેમાંગ જોષી
પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત શિક્ષણવિદ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મજયંતી અવસરે સમગ્ર દેશમાં ઉજવાતા શિક્ષક દિન નિમિત્તે આજે વડોદરા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાના અધ્યક્ષ સ્થાને આયોજીત આ સમારોહમાં વડોદરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓમાં જ્ઞાન, કૌશલ્ય અને સંસ્કારોનું સિંચન કરતા સૌ ગુરુજનોને શિક્ષક દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાએ એવોર્ડી શિક્ષકો અને પુરસ્કૃત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અનેક મુશ્કેલીઓ અને સંઘર્ષોને ઓળંગીને વર્ગખંડમાં રાષ્ટ્રનું નિર્માણ કરતા શિક્ષકોને નમન કરીને તેમણે સરકારી શાળાઓમાં શિક્ષણનો ઉજાસ પાથરીને અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને ગુજરાતની શિક્ષણયાત્રાને નવઊર્જા આપવા બદલ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારનો અભિગમ શિક્ષણલક્ષી અને શિક્ષકોના હિત પ્રત્યેનો હોવાનું શ્રીમતી મહિડાએ જણાવ્યું હતું. રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરીને બાળકોને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા તેમણે જણાવી હતી. ‘શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો, વિનાશ અને સર્જન શિક્ષકોના ખોળામાં પાલન-પોષણ પામે છે’, તેમ કહી શ્રીમતી મહિડાએ ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ માટે શિક્ષકોને સમાજને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આહ્વાન કર્યું હતું.
Advertisement
સાંસદ ડો. હેમાંગભાઈ જોષીએ આ પ્રસંગે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવાનું મહાન કાર્ય કરીને ભારતીય સંસ્કૃતિનું વહન કરવાનું ભગીરથ કાર્ય કરનાર શિક્ષકોનું સ્થાન સમાજમાં સર્વોચ્ચ ગણાવ્યું હતું. તેમણે સ્વામી વિવેકાનંદની રસપ્રદ વાતો કરીને શિષ્યની નજરથી ગુરૂને દુનિયા જોવા માટે અને એ પ્રમાણે દુનિયાનું નિર્માણ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. અમદાવાદની ખાનગી શાળામાં બનેલી દુ:ખદ ઘટનાનો ઉલ્લેખ કરીને તેમણે વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકોને સમાજના શિલ્પકાર તરીકેની જવાબદારી વધી ગઈ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. શિક્ષણના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે અને શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓ અને પડકારોને દૂર કરવા માટે સરકાર અને શિક્ષણ તંત્ર સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું. સન્માનિત શિક્ષકોને અભિનંદન પાઠવીને તેમણે રાષ્ટ્રનિર્માણની સાથે રાષ્ટ્રવિકાસ માટે શિક્ષકોને મહત્વનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
સ્વાગત ઉદબોધનમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશ પાંડેએ કાર્યક્રમની રૂપરેખા જણાવી વડોદરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રમાં થયેલા કાર્યોની સિદ્ધિઓ વર્ણવી હતી. વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યે વધી રહેલા વિશ્વાસને સતત જાળવવા માટે જિલ્લા શિક્ષણ તંત્ર પ્રતિબદ્ધ હોવાની તેમણે વાત કરી હતી. સાથે જ શિક્ષકોના હિતમાં કરેલા નવતર પ્રયોગો અને કાર્યોને વર્ણવ્યા હતા.
આ સમારોહમાં વડોદરામાં તાલુકા કક્ષાએ ચાર શિક્ષકો અને જિલ્લા કક્ષાએ ત્રણ શિક્ષકોને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર, રોકડ પુરસ્કાર અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ મેળવનાર અને કોમન એન્ટ્રસ ટેસ્ટમાં ઉત્તમ ગુણ લાવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડી શિક્ષકોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં કલેક્ટરશ્રી અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, શાળા સંચાલક મંડળના અગ્રણીશ્રી આર. સી. પટેલ, વડોદરા જિલ્લા પ્રાથમિક સંઘના અધ્યક્ષ સહિતના સભ્યો, રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના સભ્યો, ઉત્કર્ષ મંડળ અને વિવિધ સંઘના પ્રતિનિધિઓ, શિક્ષકગણ, જિલ્લા શિક્ષણ તંત્રનો સ્ટાફ, વાલી તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.