Savli

સાવલી: ખરાબ રસ્તાની ખુશીમાં કેક કાપી નગરજનોનું મોઢું મીઠું કરાવ્યું

Published

on

જો કોઈ વાતનો વિરોધ કરવાથી ફેર પડતો ન હોય તો , તેને સહર્ષ સ્વીકારી લેવી જોઈએ. આ વાત પુરવાર આજે સાવલી નગર પાલિકાના વિપક્ષના નેતાએ કરી બતાવી છે. સાવલી નગરના બિસ્માર રસ્તાઓ માટે વારંવારની રજૂઆતો છતાંય કોઈ સુધારો નહીં આવતા નગર પાલિકાના સત્તાધીશોએ આપેલી ખરાબ રસ્તાની ભેટની આજે ઉજવણી રસ્તા પર જ કરી હતી. જ્યાં વિપક્ષના નેતાએ કેક કાપીને ખરાબ રસ્તાઓની ખુશીમાં નગરજનો નું મોઢું મીઠું કરાવ્યું હતું.

સાવલી નગરની હાલત એક સાંધે ત્યાં 13 તૂટે જેવી થવા પામી છે. વરસાદી ગટરની સફાઈમાં વેઠ ઉતારવી, સફાઈમાં વેઠ ઉતારવી અને હવે તો રસ્તાઓના નિર્માણમાં પણ વેઠ ઉતારી હોવાના કિસ્સા સામે આવ્યા છે. સાવલી નગરના રસ્તાઓ એક જ વર્ષમાં તૂટી ગયા છે. જે રસ્તાઓ થોડા સમય પહેલા જ રીસરફેસ થયા હતા ત્યાં આજે મોટા ખાડાઓ સર્જાયા છે .ઉબડખબાળ રસ્તાઓથી રાહદારીઓની કમર તૂટી જાય તેવી સ્થિતિ છે. એવામાં રસ્તા પર પાણી ભરાવવા અને ભારે કિચડને કારણે રસ્તો ક્યાં અને ખાડો ક્યાં તે પણ દેખાતું નથી.

Advertisement

નગરપાલિકામાં સંકલનના નામે બેઠકો થાય છે પણ ગ્રાઉન્ડ પર તેની કામગીરી જોવા મળતી નથી.ઘોર નિંદ્રામાં સુતેલા નગરપાલિકાના તંત્રને જગાડવા આજે વિપક્ષના નેતા હસમુખભાઇ પટેલે અનોખી રીતે વિરોધ કરીને નગરજનો સહિત પાલિકાની આંખો ખોલવાના પ્રયત્ન કર્યા હતા.

ખરાબ રસ્તાઓને કારણે આજે વિપક્ષના નેતા હસમુખ પટેલે જુના ST ડેપો નજીક તૂટેલા અને ગંધકીથી ખડબદતા રસ્તા પર કેક કાપી હતી. અને ખરાબ રસ્તાઓ અને નગરપાલિકાની નિષફળતાની ઉજવણી કરી હતી.આ ઉજવણીમાં આવતા જતા નગરજનોને કેક ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું આ સાથે ચોકલેટ પણ વહેંચી હતી.

ખરાબ રસ્તાની ખુશીમાં થયેલી ઉજવણીથી લાગી આવતા નગરપાલિકા તંત્રએ તાત્કાલિક ખાડાઓ પુરવાનું શરૂ કરી દીધું હતું. જે રજૂઆતો સીધી રીતે કાને નહતી પહોંચતી તે રજુઆતને એક કેક અને કેટલીક ચોકલેટે તંત્રના કાન સુધી પહોચાડી હતી.

Advertisement

Trending

Exit mobile version