વડોદરાના ટીપી – 13 વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીમાં દુષિત પાણી આવતું હોવાની બુમો ઉઠી રહી છે. ત્યારે આજે કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા દ્વારા પાલિકાના અધિકારીઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. અને વિસ્તારના નાગરિકોને સાથે રાખીને ધારદાર રજુઆત કરવામાં આવી હતી. જે બાદ અધિકારીઓએ જેસીપી મશીન બોલાવીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ટીપી – 13 વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 2 અંતર્ગત આવતી પરિમલ સોસાયટી, ગોવર્ધન વિભાગ બે, અમરધામ, મેઘધનુષ, શ્રી દર્શન, દક્ષા પાર્ક, સત્યનારાયણ ટાઉનશીપ સહિત વિસ્તારમાં ટીપી 13 ટાંકીના કમાંડ વિસ્તારમાંથી ગંદુ પાણી આવતું હતું. જેથી નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેને લઇને આજે સ્થળ પર પાલિકાના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. અને લોકોએ પાણીની ટાંકીએ જ તેમને રજુઆત કરી હતી. ત્યાર બાદ પાલિકા દ્વારા જેસીબી મશીન મંગાવીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા જણાવે છે કે, આજે અધિકારીઓને બાનમાં લીધા છે. એટલે તેમણે જેસીબી મંગાવ્યું છે. જે જગ્યાએ અમને શંકા છે, ડિંગડોંગ ચોકડીની બાજુમાં અંજલી ફ્લેટની બહાર લાઇન ખોદવાથી વરસાદી ગટરમાંથી પાણીની નલિકા જતી હોવાનું અમને લાગી રહ્યું છે. ત્યાં આગળ ખોદાવવાની વાત કરી રહ્યા છે. નિરાકરણ નહી આવે તો તમામ ટાંકીએ હશે, જ્યાં સુધી પાણી ચોખ્ખું નહી આવે ત્યાં સુધી. વરસાદ પડે ત્યારે કાળા કલરનું પાણી આવે, વરસાદ ન હોય તો પીળા કલરનું પાણી આવે. તો આવું કેમ ! હમણાં પાણીની ટાંકી પરથી સેમ્પલ મંગાવ્યું, તે તો ચોખ્ખુ પાણી આવે છે, ટાંકીનો ફોલ્ટ નથી, વિસ્તારમાં પાણીની લાઇનમાં ફોલ્ટ છે.