Vadodara

મકરપુરા ST ડેપોમાં ઓફિસો સીલ, મહિલાએ બહાર ટેબલ નાંખ્યું

Published

on

  • આ અંગે સંબંધિત અધિકારીને જાણ કરી દીધી છે. અમને તકલીફ પડે, પરંતુ અમારે મુસાફરોની સગવડને પહેલા જોવી પડે – મહિલા કર્મી

વડોદરા પાલિકા દ્વારા બાકી વેરાની કડકાઇપૂર્વક વસુલાત કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે આજે વડોદરા પાલિકાની ટીમો દ્વારા મકરપુરા એસટી ડેપો ખાતેની ઓફિસોને સીલ કરી દેવામાં આવી છે. મકરપુરા ડેપો દ્વારા કુલ અંદાજીત રૂ. 46 લાખનો બાકી વેરો નહીં ભરપાઇ કરવાના કારણે વોર્ડ નં – 19 ની કચેરી દ્વારા આકરી કાર્યવાહી કરાઇ છે. જો કે, આ કાર્યવાહી બાદ એસટીના મુસાફરોને કોઇ તકલીફ નહીં પડે તે માટે મહિલાએ બહારના ભાગે ટેબલ નાંખ્યું છે. અને અહિંયાથી પુછપરછ કરવા માટે આવતા મુસાફરોને જવાબ આપવામાં આવી રહ્યા છે. આ વચ્ચે પાલિકાની સૌથી વધુ વેરાના બાકી રૂપિયા રેલવે સ્ટેશનના નીકળે છે, ત્યાં ક્યારે કડક કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

Advertisement

વડોદરા પાલિકા દ્વારા નાણાંકિય વર્ષના અંતે વેરા વસુલાતનું ટાર્ગેટ પૂર્ણ કરવા માટે તાબડતોબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મકરપુરા એસટી ડેપોનો બાકી આશરે કુલ રૂ. 46 લાખનો બાકી વેરો નીકળતો હતો. તેની આકરી વસુલાતના ભાગરૂપે આજે મકરપુરા એસટી ડેપોમાં આવેલી ઓફિસોને સીલ કરી દેવામાં આવી છે. જેને પગલે કરચોરોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. આ તકે એસટી ડેપોની મહત્વની ગણાતી પુછપરછ બારીને પણ સીલ કરી દેવામાં મહિલાએ બહાર સ્ટેન્ડ પાસે ટેબલ નાંખ્યું છે.

એસટી વિભાગના મહિલા કર્મચારીએ મીડિયાને જણાવ્યું કે, પાલિકા દ્વારા અમારી ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. જેથી હું બહાર સેવા આપી રહી છું. આ ઘટના અંગે મેં મેનેજરને જાણ કરી છે, અને તેમણે આ અંગે સંબંધિત અધિકારીને જાણ કરી દીધી છે. તકલીફ પડે, પરંતુ અમારે મુસાફરોની સગવડને પહેલા જોવી પડે. ભલે અમે કેબિનમાં નથી બેઠા, પરંતુ તેમને બહાર બેઠા બેઠા સારી રીતે જવાબ આપી રહ્યા છીએ. અને એસટીનું તંત્ર મુસાફરોને તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ.

Advertisement

આ તકે પાલિકાના આસિ. કમિ. સુરેશ તુવેરે મીડિયા સાથેની ટેલિફોનીક વાતમાં જણાવ્યું કે, વોર્ડ નં – 19 ના બાકી નીકળતા મોટા વેરાબીલ પૈકી મોટી રકમ કુલ મળીને (રૂ. 23.61 લાખ + રૂ. 22.12 લાખ) આશરે રૂ. 46 લાખ અંગે વારંવાર નોટીસ આપતા એસટી નિગમનું મકરપુરાની ઓફિસ અને કેન્ટીનને સીલ કરવામાં આવી છે. જ્યાં સુધી પૈસા નહીં ભરે ત્યાં સુધી સીલ બંધ રહેશે. જેના વેરા બાકી છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો રહેણાંક વિસ્તારના વેરા ભરપાઇ કરવામાં નહીં આવે તો તેના પાણીના કનેક્શન કાપી નાંખવામાં આવશે. હાલમાં વેરા માફીની યોજના ચાલુ છે, જેનો મહત્તમ લોકોએ લાભ લેવો જોઇએ.

Advertisement

Trending

Exit mobile version