- રસ્તામાં દેણા ચોકડી, ગોલ્ડન ચોકડી પાસે ભારે ટ્રાફીક જામ, અને વરસાદ હતો. વિદ્યાર્થીનીઓ માત્ર પાંચ મિનિટ મોડી પડી હતી – વાલી
- વડોદરાની એનટીસી કોલેજના સંચાલકો માનવતા ભૂલ્યા
- પાંચ મિનિટ મોડા પડેલા વિદ્યાર્થીઓને પ્રવેશતા અટકાવ્યા
- ટ્રાફિક જામ અને ખાડાના કારણે વિદ્યાર્થીઓ મોડા પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા
- સંચાલકો એક જ વાતનું રટણ કરતા કે, અમે કંઇ નથી કરી શકતા
આજે વડોદરા માં વિવિધ કેન્દ્રો પર યુજીસી નેટ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા કેન્દ્ર પૈકી એક નીયોટેક ટેક્નિકલ કેમ્પસ છે. આજે સવારે નીયોટેક ટેક્નિકલ કેમ્સપમાં પરીક્ષા આપવા નીકળેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પૈકી કેટલાક રસ્તા પરના ખાડા અને રસ્તામાં ટ્રાફીક જામની સમસ્યાને લઇને માત્ર પાંચ મિનિટ મોડા પહોંચ્યા હતા. જેમાં સંચાલકોએ તેમને નિયમ બતાવીને નો એન્ટ્રી ફરમાવી દીધી હતી. પરીક્ષા કેન્દ્ર પર મોડા પહોંચ્યા હતા, ત્યાર બાદ પરીક્ષા શરૂ થવાને આશરે 25 મિનિટ જેટલો સમય બાકી હતો. વિદ્યાર્થીઓ અને તેમના વાલી ખુબ કગર્યા પરંતુ નીયોટેક ટેક્નિકલ કોલેજને સંચાલકોએ સહેજ પણ માનવતા ના દાખવી. આખરે 21 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા તૈયાર હોવા છતાં તેમને પ્રવેશ આપવા દેવામાં આવ્યો ન્હતો.
પાંચ મિનિટ મોડા પડતા પરીક્ષા ચૂકી ગયેલી વિદ્યાર્થીનીના વાલીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે મારા સંતાનની યુજીસીની પરીક્ષા હતી, હું પોતે રૂબરૂ મુકવા ગયો હતો. ઘણાબધા વાલીઓ પોતાના સંતાનોને મુકવા માટે આવ્યા હતા. રસ્તામાં દેણા ચોકડી, ગોલ્ડન ચોકડી પાસે ભારે ટ્રાફીક જામ હતો. બધી બાજુ વરસાદ ચાલુ હતો. વિદ્યાર્થીનીઓ માત્ર પાંચ મિનિટ મોડી પડી હતી, છતાં કોલેજ સંચાલકોએ તેમને સપોર્ટ કર્યો ન્હતો. બાકી 9 વાગ્યે પરીક્ષા શરૂ કરવાની હતી. તે લોકોએ બહારનો એન્ટ્રી ગેટ જ ના ખોલ્યો, અને તેમની એન્ટ્રી એનટીસી ના થવા દીધી. અમે 8 – 35 કલાકે સ્થળ પર પહોંચી ગયા હતા. ખાલી પાંચ મિનિટ મોડા પડ્યા હતા.
સંચાલકોની વધારે પડતી સખ્તાઇનો ભોગ બનેલી વિદ્યાર્થીનીએ આરોપ મુકતા જણાવ્યું કે, આજે યુજીસી નેટની પરીક્ષા હતી. 19 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં દેવા આવ્યો ન્હતો. મોટા ભાગના વિદ્યાર્થીઓ વડોદરા ગ્રામ્ય અને જિલ્લા બહારના હતા. આ વખતે અમને એક્ઝામ સેન્ટર દુર દુર આપવામાં આવ્યા છે. મેનેજમેન્ટે સીધુ કહી દીધું કે, અમારા હાથમાં કંઇ નથી. અમે ઉપર રીકવેસ્ટ કરી શકીએ. ત્યાં મેનેજમેન્ટમાંથી કોઇ ખાસ હાજર ન્હતા, ખાસ કરીને જેની હાજરી જરૂરી હોય તેવા એક્ઝામીનેશન વિભાગમાંથી કોઇ હાજર ન્હતું. તેઓ એક જ વાતનું રટણ કરતા રહ્યા કે, અમે કંઇ નથી કરી શકતા, અમે કંઇ નથી કરી શકતા. અમને રસ્તામાં એરપોર્ટ સર્કલ, દેણા ચોકડી નડ્યો હતો. રસ્તાઓ પર ખાડા પણ એટલા હતા, કે અમે ચાલુ વરસાદે માંડ બચીને બચીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા.