Vadodara

નંદેસરી દારૂ કાંડ: SMCએ મુખ્ય સૂત્રધાર સુનિલ ઉર્ફે અદો કેવલરામાણીને ગુડગાંવથી દબોચ્યો

Published

on

  • નંદેસરી દરોડાનો માસ્ટરમાઈન્ડ જેલના સળિયા પાછળ: સ્ટેટ મોનિટરિંગ સેલે લિસ્ટેડ બુટલેગર સુનિલ ઉર્ફે અદોને દબોચ્યો.
  • ગુડગાંવમાં છુપાયો હતો દારૂનો કિંગપિન; ટેકનિકલ સર્વેલન્સની મદદથી એસ.એમ.સી.એ પાડ્યો દરોડો.
  • મનોજ પાપડની ધરપકડ બાદ વોન્ટેડ જાહેર થયેલા ‘મોટા માથા’ની ધરપકડથી બૂટલેગરોમાં ફફડાટ.

વડોદરા/અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ વડોદરાના દારૂના કાળા કારોબારના નેટવર્ક પર મોટી સ્ટ્રાઈક કરી છે. નંદેસરી પોલીસ મથકની હદમાં થયેલા ₹1.40 કરોડના મુદ્દામાલના કેસમાં છેલ્લા કેટલાક સમયથી નાસતા-ફરતા લિસ્ટેડ બુટલેગર સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઇ કેવલરામાણીને એસ.એમ.સી.ની ટીમે હરિયાણાના ગુડગાંવથી ઝડપી પાડ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

ગત 29 માર્ચ, 2026ના રોજ SMCએ વડોદરાના રઢીયાપુરા ગામમાં ગૌતમ પરમારની ખુલ્લી જગ્યામાં દારૂના કટિંગ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્થળ પરથી લિસ્ટેડ બુટલેગર મનોજ ઉર્ફે પાપડ સહિત 6 શખ્સો ઝડપાયા હતા. પોલીસે ત્યાંથી ₹43.46 લાખનો દારૂ અને વાહનો મળી કુલ ₹1,40,47,040નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

🧐તપાસમાં ખૂલ્યા હતા ‘મોટા માથા’ના નામ:

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આ આખું નેટવર્ક સુનિલ ઉર્ફે અદો, લાલુ સિંધી અને કાલુ ટોપી જેવા કુખ્યાત બુટલેગરો ચલાવી રહ્યા છે. પોલીસે આ કેસમાં 11 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ત્યારથી જ SMCની ટીમે આ ‘મોટા માથાઓ’ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

🚨ગુડગાંવથી આ રીતે ઝડપાયો:

વોન્ટેડ સુનિલ ઉર્ફે અદો ધરપકડ ટાળવા માટે ગુજરાત છોડીને નાસી ગયો હતો. SMCને બાતમી મળી હતી કે તે ગુડગાંવમાં છુપાયેલો છે. એસ.એમ.સી.ની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ લોકેશનની મદદથી ગુપ્ત રીતે વોચ ગોઠવી હતી અને આખરે તેને દબોચી લીધો હતો.

👮આગામી કાર્યવાહી:

સુનિલ અદોની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી છે અને હાલ તેને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અદોની પૂછપરછમાં વડોદરાના દારૂના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય નામો અને લાલુ સિંધી જેવા વોન્ટેડ આરોપીઓના ઠેકાણાઓ વિશે મહત્વની માહિતી મળવાની શક્યતા છે.

Trending

Exit mobile version