વડોદરા માં ગેરકાયદેસર રીતે બે વર્ષમાં આ દબાણ ઉભુ થયું છે. તો એને તાત્કાલિક પણે દુર કરવું જોઇએ. જેથી નવા દબાણકારોને ચેતવણી મળે – MLA
- આજે જિલ્લા કલેક્ટર જોડે ચૂંટાયેલા પ્રતિનિધીઓની સંકલન બેઠક મળી.
- સંકલનની બેઠકમાં સયાજીગંજના ધારાસભ્યએ અનેક મુદ્દે રજુઆત કરી
- મદરેસા દુર કરવા, હોસ્પિટલ લાવવી, નવું સબસ્ટેશન બનાવવાની માંગ મુકી
આજે વડોદરા જિલ્લા કલેક્ટર જોડે ચૂંટાયેલા પ્રતિનિધીઓની એક બેઠક મળી છે. આ બેઠકમાં સયાજીગંજના ધારાસભ્ય દ્વારા તેમના વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવામાં આવેલી મદરેસસા તોડી પાડવાની માંગ મુકવામાં આવી છે. ધારાસભ્યએ અગાઉ રજુઆત કરતા મદરેસાની જમીનની માપણી કરીને તેને સીલ કરી દેવામાં આવી છે.
હવે તેને દુર કરીને નવા દબાણખોરોને કડક સંદેશો આપવાની વાત પર ધારાસભ્ય ભાર મુકી રહ્યા છે. આ સાથે જ સયાજીગંજ વિધાનસભામાં વિજ સબસ્ટેશન આયુર્વેદિક- હોમિયોપેથિક હોસ્પિટલ લવાય તે દિશામાં પણ કામ આગળ વધતું જોવા મળી રહ્યું છે.
સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જિલ્લા સંકલનની બેઠકમાં અનેકવિધ મુદ્દે જિલ્લા કલેક્ટર સમક્ષ રજુઆત કરી હતી. બેઠક બાદ તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે ન્યુ અલકાપુરી, કરોડિયા અને ઉંડેરામાં લાઇટો જવાના પ્રશ્નો વધ્યા છે. તેનું કાયમી સમાધાન થાય તે માટે પાલિકા અને કલેક્ટર જોડે જગ્યા લઇને નવું સબ સ્ટેશન નાંખવામાં આવે તેવી રજુઆત કરી છે.
સયાજીગંજની આયુર્વેદિક અને હોમિયોપેથીક હોસ્પિટલ વર્ષોથી મંજલપુરમાં ચાલે છે, તેને ફરી વખત સયાજીગંજમાં લાવવાની અમારી માંગ મંજુર થઇ છે. કલેક્ટર દ્વારા જગ્યાની ફાળવણી કરી દેવામાં આવી છે. ત્યાં જલ્દી હોસ્પિટલ બને તે માટે અમે લાગણી વ્યક્ત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સયાજીગંજ વિસ્તારમાં રાજીવનગરમાં મદરેસાનું બાંધકામ થયું છે. જિલ્લા કલેક્ટરની જગ્યામાં બાંધકામ હોવાથી તેને સીલ કરી દેવામાં આવ્યું છે. સાથે જ તેને તોડી પાડવામાં આવે તેવી અમારી રજુઆત છે. સાથે જ નિઝામપુરામાં બસ સ્ટેન્ડ છે, ત્યાં ઉત્તરગુજરાતના નાગરિકો માટે સુવિધા માટે નવા રૂટ શરૂ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે બે સંકલનથી મદરેસા માપણી કરાવીને તોડવાની વાત કરી રહ્યા છે. આ વખતે અમે કહ્યું કે, મદરેસાની માપણી કરીને સીલ કર્યું તે સારી વાત છે. હવે તેને તાત્કાલિક ધોરણે દુર કરવામાં આવે. જિલ્લા કલેક્ટરની જગ્યામાં ગેરકાયદેસર રીતે બે વર્ષમાં આ દબાણ ઉભુ થયું છે. તો એને તાત્કાલિક પણે દુર કરવું જોઇએ.
જેથી નવા દબાણકારોને ચેતવણી મળે, સયાજીગંજમાં 17 વર્ષ પહેલા આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું માંજલપુર શિફ્ટ કરવામાં આવ્યું હતું. અમે તેને પરત લાવવા માંગીએ છીએ. મોટી સંખ્યામાં લોકોને તેનો ફાયદો થશે. એક જગ્યા પર ગેરકાયદેસર મરઘા ઉછેર કેન્દ્ર ચાલતું હતું, તે અમે તંત્રના ધ્યાને લાવીને દુર કરાવ્યું છે. આ જગ્યાની માલિકીની તપાસ કરતા કલેક્ટર દ્વારા તેની માપણી કરવામાં આવી છે.