- રદ લાયસન્ય કરવામાં મોટાભાગે રોંગ સાઇડ, ચાલુ મોબાઇલ પર વાત કરતા અને ઓવર સ્પીડમાં ડ્રાઇવીંગ કરનારાઓમાં સમાવેશ થાય છે.
વડોદરામાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસે કમર કસી છે. સાથે જ નિયમોને નેવે મુકતા તત્વો સામે લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેને પગલે ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું સખ્તાઇ પૂર્વક પાલન કરાવવા માટેની આ સૌથી મોટી કાર્યવાહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરનારા તત્વો હજી પણ નહિં સુધરે તો આગામી સમયમાં ડ્રાઇવીંગ લાયસન્સથી હાથ ધોવો પડી શકે છે.
ટ્રાફિસ એસીપી દત્તાત્રેય વ્યાસે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ કાર્યવાહી 6 મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી. કમિશનર સાહેબની સુચના હેઠળ ડીસીપી મેડમ દ્વારા એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમના સૌથી વધારે ચલણ હોય તેવા લોકોના નામો હતા. તે લોકોનો વધુમાં વધુ દંડ ભરાય તેવો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે આરટીઓ માં રીપોર્ટ કરી 150 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ થાય તે અંગેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તે પૈકી 44 વાહન ચાલકો ગુજરાત બહારના હતા. તેમને રીપોર્ટ જે તે આરટીઓમાં કરવામાં આવ્યો છે. બાકીના 106 ગુજરાતના હતા, અને તેમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. અને તે વાહન ચાલકો હાલ વાહન ના ચલાવે તેના પર અમારી નજર છે. જો તે લોકો વાહન ચલાવતા હશે, તો તેમના વિરૂદ્ધ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં જણાવ્યું કે, એક વર્ષથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તે છતાં પણ ફરક નહીં પડતા હવે અમે કડક કાર્યવાહી ચાલુ કરી છે. દંડ નથી લેવો, તેમને બચાવવા છે. બેદરકાર લોકો પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુકતા હોય છે. તમામની સુરક્ષા માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે. 106 પૈકી મોટાભાગે રોંગ સાઇડ, ચાલુ મોબાઇલ પર વાત કરતા અને ઓવર સ્પીડમાં ડ્રાઇવીંગ કરનારાઓમાં સમાવેશ થાય છે.