વડોદરા શહેરના ખોડીયાર નગર નજીક આવેલા જીઓ પેટ્રોલપંપ પર ગત રાત્રે લૂંટના ઇરાદે ત્રાટકેલા સિકલીગર ટોળકીએ પેટ્રોલપંપ સંચાલકો પર પાઇપ અને તલવાર વડે હુમલો કર્યો હતો. જ્યારે કેટલાક કર્મચારીઓને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હરણી પોલીસે સમગ્ર ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સંચાલિત ખોડિયાર નગર પાસે આવેલા જીઓ-બીપી પેટ્રોલપંપ પર ગત રાત્રીના સમયે કેટલાક સિકલીગર ગેંગના તત્વો પેટ્રોલ ભરાવવાના બહાને આવ્યા હતા. ત્યાર બાદ ફિલર સાથે તકરાર કરીને ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. થોડી જ વારમાં પાઇપ અને તલવાર જેવા મારક હથિયારો સાથે 25 લોકોનું ટોળું પેટ્રોલપંપ પર ધસી આવ્યું હતું અને કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. પેટ્રોલપંપની સિલક ના 80થી 90 હજારની રકમ પણ લૂંટી લેવામાં આવી હતા. કર્મચારીઓએ હિંમત કરીને ટોળા પૈકીના 3 સિકલીગરને ઝડપી લીધા હતા અને હરણી પોલીસને હવાલે કર્યા હોવાની માહિતી મળી છે.
સમગ્ર ઘટનામાં પેટ્રોલપંપના સીસીટીવી બંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાઈ વોલેટજના કારણે સીસીટીવીનું ડીવીઆર બંધ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. હરણી પોલીસે લૂંટ અને મારામારી ની ઘટનામાં ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.