વડોદરા શહેર -જિલ્લામાં તસ્કરોનો આતંક દિન પ્રતિ દિન વધી રહ્યો છે. તસ્કરોમાં પોલીસનો કોઈ ખોફના રહ્યો હોય તેમ બેખોફ થઇ પોલીસને પડકાર ફેંકાતા રોજબરોજ અનેક ચોરીની વારદાતને અંજામ આપી પોલીસના પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. બેખોફ બનેલ તસ્કરો શિયાળાની ઋત્તુ શરૂ થતા જ સક્રિય બન્યા છે. અને શિનોર તાલુકામાં એક જ રાત્રીમાં ત્રણ મકાનના તાળા તોડી તસ્કરોએ રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરીની વારદાત ને અંજામ આપતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
શિનોર તાલુકામાં આવેલ શ્રીજી-1 તથા શ્રીજી-2 સોસાયટીમાં એક જ રાત્રીમાં ત્રણ મકાનના તાળા તોડી તસ્કરોએ રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી હતી. તસ્કરો હાથ ફેરો કરતા બોડેલી ખાતે નર્મદા નિગમ સરદાર સરોવર માં જુનીયર કલાર્ક તરીકે નોકરી કરતા રતનભાઇ જેસંગભાઈ તડવીના ઘરમાંથી રૂપિયા 30 હજાર રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. જયારે વતનમાં ગયેલ પ્રદિપભાઇ જગદિશપ્રસાદ શર્માના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં બીજા રૂમમાં મુકેલ લોખડની તિજોરીનું લોક તોડી તેમાં મુકેલ સોનાની ચુડી, સોનાની ચેઇન, સોનાની વીંટી તથા મંગળસુત્ર સહીત રૂ. 2.10 લાખની કિંમતનું 6 તોલા તથા રોકડા રૂપિયા 40 હજારની ચોરી કરી હતી. સાથે કુણાલભાઈ જગદિશચન્દ્ર ભટ્ટ તેમજ ઉદારામ જવારાજી સુથારના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ સોનાના દાગીના, રોકડ રકમ સહીત કુલ 2.80 લાખ ની ચોરીની વારદાતને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.
શિનોર પોલીસે અજાણ્યા ત્રણ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ શિયાળાની ઋતુ શરૂ થતાં તસ્કરો સક્રિય થઈ રહ્યા હોઈ શિનોર નગરની છેવાળાની સોસાયટી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સઘન થાય તેમજ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવે તેવી રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે.