વડોદરાના કરજણ તાલુકામાંથી મોડી રાત્રે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કરજણ સ્થિત MGVCLના જેટકો સબ સ્ટેશનમાં કેબલ ચોરી કરવાના ઈરાદે ઘુસેલા તસ્કરો અને સિક્યુરિટી સ્ટાફ વચ્ચે લોહિયાળ ઘર્ષણ થયું હતું. પોતાની સુરક્ષા માટે ગનમેને કરેલા ફાયરિંગમાં એક તસ્કર ઘાયલ થયો છે, જ્યારે પોલીસે અન્ય સાગરીતોને દબોચી લીધા છે.
ઘટનાની વિગતવાર માહિતી
મોડી રાત્રે અંદાજે ચાર જેટલા તસ્કરો સબ સ્ટેશનની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો જ્યારે કેબલ ચોરી કરવાની પેરવીમાં હતા, ત્યારે જ સતર્ક સિક્યુરિટી સ્ટાફની નજર તેમના પર પડી હતી. સિક્યુરિટીએ તેમને પડકારતા તસ્કરોએ ભાગવાને બદલે સિક્યુરિટી કર્મચારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
સિક્યુરિટીનું આત્મરક્ષામાં ફાયરિંગ
પથ્થરમારાને કારણે સ્થિતિ વણસતા અને પોતાની જાન બચાવવા માટે ફરજ પરના ગનમેને બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક તસ્કરના ડાબા હાથમાં ગોળી વાગતા તે સ્થળ પર જ લોહીલુહાણ થઈને ફસડાઈ પડ્યો હતો. સિક્યુરિટી સ્ટાફે હિંમત બતાવીને બે તસ્કરોને ઘટનાસ્થળે જ રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસની ત્વરિત કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ મથકના પીઆઈ એ.કે. ભરવાડ કાફલા સાથે દોડી આવ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી છુપાઈને બેઠેલા વધુ એક તસ્કરને ઝડપી પાડ્યો હતો. ઘાયલ તસ્કરને તાત્કાલિક વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
તપાસના ચક્રો ગતિમાન
પોલીસ હાલ પકડાયેલા તસ્કરોની સઘન પૂછપરછ કરી રહી છે. આ ટોળકી અગાઉ અન્ય કેટલી ચોરીઓમાં સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે અંધારાનો લાભ લઈ ફરાર થયેલા એક અન્ય તસ્કરને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.