National

દિલ્હીમાં ડિજિટલ અરેસ્ટનો અત્યાર સુધીનો સૌથી મોટો ફ્રોડ; UN ના નિવૃત્ત ડૉક્ટર દંપતી પાસેથી ₹15 કરોડ લૂંટાયા!

Published

on

નવી દિલ્હી:દેશની રાજધાનીના પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશમાં સાયબર ઠગોએ આતંક મચાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં વર્ષો સુધી સેવા આપનાર અને અમેરિકાથી પરત ફરેલા ડૉ. ઓમ તનેજા અને ડૉ. ઇન્દિરા તનેજા સાથે ‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે ₹15 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે.
📍ઘટનાક્રમ: કેવી રીતે ખેલાયો ખતરનાક ખેલ?

  • 24 ડિસેમ્બર, 2025: ડૉક્ટર દંપતીને એક અજાણ્યો કોલ આવ્યો. સામેની વ્યક્તિએ પોતાને દિલ્હી પોલીસનો અધિકારી ગણાવી કહ્યું કે, તમારા આધાર કાર્ડથી મની લોન્ડ્રિંગ અને ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે.
  • નકલી પોલીસ સ્ટેશન અને વર્દી: વીડિયો કોલ પર પોલીસ યુનિફોર્મ, દિલ્હી પોલીસનો લોગો અને ગંભીર માહોલ ઊભો કરી દંપતીને ડરાવવામાં આવ્યા.
  • નકલી કોર્ટ અને જજ: આ કેસમાં સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે ઠગોએ નકલી કોર્ટનો સેટઅપ બનાવ્યો હતો. વીડિયો કોલ પર કાળો કોટ પહેરેલા ‘નકલી જજ’ એ ધમકી આપી કે જો સહયોગ નહીં કરો તો તાત્કાલિક જેલ ભેગા કરી દેવામાં આવશે.

🛑15 દિવસ સુધી ઘરમાં જ ‘કેદી’ બન્યા

સાયબર ઠગોએ દંપતીને સતત 15 દિવસ સુધી (24 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી) વીડિયો કોલ પર નજરબંધ રાખ્યા.

  • તેમને કોઈને કોલ કરવાની કે ઘરની બહાર જવાની મનાઈ હતી.
  • જ્યારે ડૉ. તનેજાએ સ્થાનિક પોલીસ (SHO) નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે નકલી જજે અસલી પોલીસ અધિકારીને પણ ધમકાવીને ભગાડી દીધા હતા.

👉જિંદગીભરની કમાણી સાફ

ઠગોએ તપાસ, જામીન અને કોર્ટ વેરિફિકેશનના નામે અલગ-અલગ હપ્તે કુલ ₹14.85 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા. આ એ રકમ હતી જે દંપતીએ UN માં દાયકાઓ સુધી મહેનત કરીને બચાવી હતી.

👮પોલીસ કાર્યવાહી

જ્યારે દંપતીને ઠગાઈનો અહેસાસ થયો, ત્યારે તેમણે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ (સાયબર યુનિટ) માં ફરિયાદ નોંધાવી છે.

  • FIR દાખલ: પોલીસે આઈપી એડ્રેસ, બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને નકલી દસ્તાવેજોના આધારે તપાસ તેજ કરી છે.
  • સાવચેતીનો સંદેશ: પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે કોઈ પણ સરકારી એજન્સી વીડિયો કોલ પર ‘ડિજિટલ અરેસ્ટ’ કરતી નથી. આવા કોલ આવે તો તરત જ 1930 પર સંપર્ક કરવો.

Trending

Exit mobile version