આગની ભયાનકતા:કરજણના ધાવટ રોડ પર આવેલી પેપર મિલમાં લાગેલી આગ 18 કલાક પછી પણ યથાવત; મેજર કોલ જાહેર.
તંત્રની કસોટી:વડોદરા, ભરૂચ અને કરજણની ફાયર ટીમો ઘટનાસ્થળે; ધુમાડાના ગોટેગોટાથી આખું આકાશ કાળુંબેર થઈ ગયું.
ચોંકાવનારી વિગત:મિલની બોરવેલ મોટર બળી જતાં પાણીની અછત સર્જાઈ; બહારથી ટેન્કરો દ્વારા પાણી મંગાવી આગ બુઝાવવા મથામણ.
અધિકારીઓનો કાફલો:SDM, મામલતદાર અને DYSP એ રાત્રે જ મુલાકાત લીધી; ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત.
કરજણ: કરજણના ધાવટ રોડ પર આવેલી કાનમ પેપર મિલમાં લાગેલી ભીષણ આગને 18 કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં સ્થિતિ હજુ પણ બેકાબૂ છે. આગ એટલી વિકરાળ છે કે તેને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા અને ભરૂચ સહિત આસપાસના તમામ ફાયર ફાઈટરો રાત-દિવસ એક કરીને આગ પર કાબૂ મેળવવા જહેમત કરી રહ્યા છે.
🚒પાણીની અછતે મુશ્કેલી વધારી:
આગની આ ઘટનામાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આગને કારણે મિલની અંદર આવેલી બોરવેલની મોટર પણ બળીને ખાખ થઈ ગઈ છે. પરિણામે, ફાયર ફાઈટરોને જે પાણી મિલમાંથી જ મળવું જોઈતું હતું તે મળતું બંધ થયું છે. અત્યારે ફાયરની ટીમોને બહારથી પાણી લાવવું પડી રહ્યું છે, જેને કારણે આગ ઓલવવાની કામગીરીમાં ભારે વિલંબ અને અવરોધ સર્જાઈ રહ્યો છે. મિલના પરિસરમાંથી અત્યારે પણ કાળા ધુમાડાના તોતિંગ ગોટેગોટા નીકળી રહ્યા છે, જે આગની ગંભીરતા દર્શાવે છે.
🚨વહીવટી તંત્ર સતર્ક:
આગની ઘટનાની ગંભીરતા જોતા ગત રાત્રિના સમયે જ કરજણના એસ.ડી.એમ. (SDM), મામલતદાર અને ડી.વાય.એસ.પી. (DySP) સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. કોઈપણ પ્રકારની અણધારી ઘટના ન બને તે માટે મિલની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
🧐પેપર મિલમાં રહેલો જંગી જથ્થો આગમાં બળીને ખાખ થઈ રહ્યો છે, ત્યારે આગ ક્યારે સંપૂર્ણ કાબૂમાં આવશે તે કહેવું મુશ્કેલ છે. પાણીની સુવિધા ખોરવાતા ફાયર ફાઈટરોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.