વડોદરા જિલ્લામાં આજે કરજણ-આમોદ રોડ ઉપર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં આમોદના યુવાનો અને મહિલાઓ એક ઈકો કારમાં ડભોઇ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન કરજણ નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રોડ સાઈડથી ઊતરી ગઈ અને ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કારના આગળના ભાગનો ચક્કાચુર થયો હતો. કારમાં સવાર પાંચ લોકો માંથી એક મહિલાનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી. ખાસ કરીને એક યુવતીને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
આ બનાવની જાણ થતાં જ નજીકના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. કરજણ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક મહિલાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારના ચાલકે ઝડપ વધુ હોવાને કારણે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર નિયંત્રણ બહાર જઈ ઝાડમાં ઘુસી ગઈ હતી.
કરજણ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અકસ્માતની સચોટ હકીકત જાણવા માટે તપાસ ચાલી રહી છે. હાલની સ્થિતિએ, દુર્ઘટનાની આ ઘટનાએ ફરી એક વખત ઝડપી વાહન ચલાવવાના જોખમ પર સવાલ ઉઠાવ્યા છે. સ્થાનિક લોકોએ પણ ગંભીર દુઃખ વ્યક્ત કરતા વાહન ચાલકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.