- ટુંકી વાત બાદ અજાણ્યા શખ્સે પડીકામાંથી બિસ્કીટ ખાઇને પુરૂ કર્યું, બાદમાં બિસ્કીટનું બીજું પડીકું કાઢીને ફરિયાદીને ખાવા આપ્યું હતું
- બસમાં મુસાફરી કરતા વેપારીએ બિસ્કીટ ખાતા ભાન ભૂલ્યા
- પરિસ્થિતીનો ફાયદો અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો
- ભાન આવતા ફરિયાદીને થયેલા નુકશાન પર ધ્યાન ગયું
વડોદરા ગ્રામ્ય ના કરજણ પાસેથી બસમાં પસાર થતા વેપારીને કડવો અનુભવ થયો છે. બસમાં આગળની સીટ પર બેઠેલા અજાણ્યા શખ્સે તેમની પાસે આવીને બિસ્કીટનું પેકેટ ખાવા માટે ધર્યું હતું. તેમાંથી બિસ્કીટ લઇને બટકું માર્યા બાદ વેપારી ભાન ભૂલી ગયા હતા. અને આ પરિસ્થિતીનો ફાયદો અજાણ્યા શખ્સે ઉઠાવી લીધો હતો. આખરે વેપારીને ભાન આવતા તેમને થયેલું નુકશાન તેમના ધ્યાને આવ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે કરજણ પોલીસ મથક માં વેપારીએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, દિનેશકુમાર રતનલાલજી સોની (ઉં – 53) (રહે. પુણાગામ, સુરત) વેપારી છે. તાજેતરમાં 22, એપ્રિલના રોજ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન બસમાં તેમની આગળ બેઠેલા શખ્સે તેમની બાજુની સીટ પર આવી બેસીને થોડીક વાતચીત કરી હતી. તે બાદ અજાણ્યા શખ્સે પડીકામાંથી બિસ્કીટ ખાઇને પુરૂ કર્યું હતું. ત્યાર બાદ બિસ્કીટનું બીજું પડીકું કાઢીને ફરિયાદીને ખાવા આપ્યું હતું.
ફરિયાદીએ બિસ્કીટનું બટકું મારતા જ તેઓ ભાન ભૂલ્યા હતા. ત્યાર બાદ અજાણ્યા ઇસમો પરિસ્થિતીનો ફાયદો ઉઠાવીને ફરિયાદીએ હાથમાં પહેરેલી બે સોનાની વીંટી કિં. રૂ. 1.20 લાખ, પેન્ટના ખિસ્સામાં મુકેલા રૂ. 2,400 રોકડા, બેગમાં મુકેલી સાડી મળીને કુલ રૂ. 1.22 લાખનો હાથફેરો કર્યો હતો. આ ઘટનાને થોડોક સમય વિત્યા બાદ ફરિયાદીને ભાન આવ્યું હતું. અને તેમનું ધ્યાન ગાયબ થયેલા ઘરેણા અને સામાન તથા રોકડ પર ગયું હતું.
ત્યાર બાદ ફરિયાદી દ્વારા અજાણ્યા ઇસમ અંગેના સીસીટીવી તપાસવામાં આવ્યા હતા. બાદમાં આ અંગે પરિવારના સભ્યો જોડે ચર્ચા કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે કરજણ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.