સરકારી યોજનાના લોકેશન અને કિંમતના કારણે ખાનગી ગૃહનિર્માતાઓ પણ આવાસોના ભાવ એફોર્ડેબલ રાખવા પ્રેરાય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઇનસીટુ હેઠળ વડોદરા મહાપાલિકા દ્વારા ૯૭૩૩ આવાસોનું નિર્માણ.
વડોદરા શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા વર્ષ ૨૦૧૭થી ૨૦૨૫ સુધીમાં ૮૧૪૦ આવાસો બનાવાયા.
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલું હાઉસિંગ ફોર ઓલ મિશન સરકાર અને ખાનગી ઘરનિર્માતાઓ વચ્ચે સ્પર્ધાત્મકતાનું ઉમેરણ કરવામાં સફળ રહ્યું છે. ખાસ કરીને વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ થતાં આવાસોથી સંભવિત ગ્રાહકોને એક મોટો તબકો તેમની જરૂરિયાત પૂર્ણ થતાં ખાનગી ઘરનિર્માતા પણ ફ્લેટ કે ટેનામેન્ટના ભાવો ગ્રાહકોને પરવડે એવા આકર્ષક રાખી રહ્યા છે.
હાઉસિંગ ફોર ઓલ મિશન કેન્દ્ર સરકારની નીતિમાં અગ્રિમ સ્થાને રહ્યું છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં આવાસો નિર્માણ કરવામાં પ્રધાનમંત્રી આવાસ યોજના મહત્વપૂર્ણ પૂરવાર થઇ છે. વડોદરા શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા વર્ષ ૨૦૧૭થી ૨૦૨૫ સુધીમાં ૮૧૪૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ અને ગરીબો માટેના ઇનસીટુ હેઠળ ૨૪૨૭ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ જ રીતે આ બન્ને શ્રેણીમાં ૭૩૦૬ મકાનોના કામો પ્રગતિ હેઠળ છે. આ આવાસો માટે રૂ. ૭૧૧ કરોડનો ખર્ચ થવાનો છે.
વડોદરા મનપામાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં લાંબો સમય કામ કરનારા કાર્યપાલક ઇજનેર શ્રી નિલેશ પરમાર કહે છે, સરકાર દ્વારા બાંધવામાં આવતા આવાસોનું લોકેશન પ્રાઇમ હોય છે. તેથી આ હાઉસિંગ પ્રોજેક્ટ જરૂરિયાતમંદોને આકર્ષે છે. વળી, ખાનગી બજાર કરતા આ આવાસો વધુ રસ્તા હોવાથી તે જરૂરમંદ નાગરિકોને આકર્ષે છે. વળી, તેના કારણે બજારમાં સ્પર્ધાનું વાતાવરણ ઉભું થાય છે અને ખાનગી નિર્માતાઓ પોતાના ફ્લેટ – આવાસોના ભાવ ગ્રાહકોને પરવડે એવા રાખવા પ્રેરાય છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ખાનગી ગૃહનિર્માતા સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. રેરા પાસેથી ઉપબલ્ધ આંકડાઓ ઉપર નજર નાખીએ તો ખબર પડશે કે છેલ્લા પાંચ વર્ષમાં રેરા પાસે નોંધ થતાં હાઉસિંગ પ્રોજેક્ટમાં ૪૫ ટકા જેટલા એફોર્ડેબલ હાઉસિંગ શ્રેણીમાં નોંધાય છે.
૨૦૨૦થી ૨૦૨૨ સુધીમાં સરકાર દ્વારા કુલ ૧૩૦ પ્રોજેક્ટ શરૂ કરી એફોર્ડેબલ હાઉસિંગના કામ શરૂ કરવામાં આવ્યા હતા. જ્યારે આ જ ત્રણ વર્ષના સમયગાળામાં ખાનગી બિલ્ડર્સ દ્વારા ૧૯૨૬ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. આમ સરકારી અને બિનસરકારી વ્યવસ્થા દ્વારા ૨.૫૬ લાખ આવાસ યુનિટનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.
Advertisement
એક ખાનગી બિલ્ડર્સ શ્રી વિવેક રાજપૂત કહે છે, સરકારી આવાસોની યોજનામાં ગ્રાહકોને માટે સૌથો મોટો બેનિફિટ તેના લોકેશનનો હોય છે અને તેની સાથે તે રાહત દરના હોય છે. તેની સામે ખાનગી બિલ્ડર્સ દ્વારા લોકેશન ઉપરાંત વધુ સુવિધા આપવામાં આવે છે.
રેરાના એક અંદાજ મુજબ વડોદરામાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં રૂ. ૧૨ હજાર કરોડથી પણ વધુ રોકાણ થયું છે. અમદાવાદ બાદ વડોદરા એફોર્ડેબલ હાઉસિંગના નિર્માણ બીજા ક્રમે આવે છે. વડોદરામાં ૨૦૨૩માં ૯૧૨ અને ૨૦૨૪માં ૯૨૪ એફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ લોંચ થયા હતા. ૨૦૨૦થી આ ટ્રેન્ડ જોવામાં આવે તો તેમાં સતત વૃદ્ધિ થઇ રહી છે.
છેલ્લા પાંચ વર્ષમાં બાંધકામ વિસ્તારનો ટ્રેન્ડ જોઇએ તો ૨૦૨૦ દરમિયાન ઓપી રોડ વિસ્તાર અને શહેરના ઇસ્ટર્ન વિસ્તારમાં સૌથી વધુ બાંધકામ થયા હતા. ૨૦૨૧માં આ ટ્રેન્ડ બદલી શહેરના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં વધુ બાંધકામ નોંધાયા હતા. જે હજુ સુધી ચાલ્યું આવે છે. શહેરના મધ્ય અને ગોત્રી વિસ્તારમાં પ્રિમિયમ કેટેગરીના આવાસોનું નિર્માણ થતું હોવાનુ નોંધાય છે. કુલ પ્રોજેક્ટમાં ૬૫થી ૭૦ ટકા એવા હોય છે કે જેમાં રૂ. ૨૫ કરોડ સુધીનું રોકાણ કરવામાં આવ્યું છે. એકથી પાંચ ટકા પ્રોજેક્ટમાં એક કરોડથી વધુનું રોકાણ થયું છે.
વડોદરા મનપા દ્વારા ગોત્રી, સયાજીપૂરા, હરણી, સુભાનપૂરા, ગોત્રી, ભાયલી, સેવાસી, કલાલી, વારસિયા, દંતેશ્વર જેવા પ્રાઇમ વિસ્તારોમાં આવાસો બનાવ્યા છે, બનાવાઇ રહ્યા છે. અહીં જે ખાનગી બિલ્ડર ૩૦ લાખમાં ફ્લેટ આપે, તેવા જ ફ્લેટ મનપા સાવ નજીવા દરે આપે !
આ જ ટ્રેન્ડને ધ્યાને રાખી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આઉટગ્રોથ એરિયાને સુવિધાસભર બનાવવા માટે તબક્કાવાર ગ્રાંટ ફાળવીને માર્ગ, પાણી, લાઇટ જેવી સુવિધાઓ ઉભી કરવા વડોદરા મહાનગરપાલિકાને સહાય આપી રહ્યા છે.