આ સાથે સ્વચ્છતાની જાળવણી ન થઈ હોય તે જગ્યાએ ફરસાણ અથવા મીઠાઈના વેપારીને શિડ્યુલ 4ની નોટિસ આપી યોગ્ય સ્વચ્છતાની જાળવણી કરવાની તાકીદ કરવામાં આવી રહી છે.
- જીએસટીના દર ઘટવાથી ફાફડા, જલેબીના ભાવ વધ્યા નથી.
- શહેરમાં દશેરાના પર્વને અનુલક્ષીને પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા ફાફડા અને જલેબીનું ચેકિંગ હાથ ધરાયું હતું
- દશેરાએ ફાફડા અને જલેબીની કિંમતમાં અંદાજે પાંચથી વીસ ટકા સુધીનો ભાવ વધારો થઈ જતો હોય છે.
શહેરમાં આવતીકાલે વિજયા દશમીના પર્વને અનુલક્ષીને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને વિવિધ ફરસાણ અને મીઠાઈની દુકાન પરથી ફાફડા અને જલેબીનું ચેકિંગ કરવા સાથે ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા હતા. જ્યારે મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા પણ ખાદ્ય પદાર્થનું સ્થળ પર પૃથ્થકરણ કરી અખાદ્ય પદાર્થનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.આવતીકાલે ઉજવાવનારા દશેરાના પર્વના રોજ શહેરીજનો ફાફડા અને જલેબી આરોગી તેની ઉજવણી કરશે. ખોરાકના શોખીનોએ આ માટે કેટલીક જગ્યાએ અત્યારથી એડવાન્સમાં ફાફડા અને જલેબીના ઓર્ડરો પણ બુક કરાવી દીધા છે.
આ સાથે ફાફડા અને જલેબીનો કરોડોનો કારોબાર આવતીકાલે માત્ર એક દિવસે થશે. લોકો ફાફડા અને જલેબીનો જે રીતે ઉપાડ કરશે તેને ધ્યાનમાં લઈ કેટલાક વેપારીઓ નફાખોરી કરવાના હેતુસર ગ્રાહકોને અખાદ્ય પદાર્થ ન ખવડાવે એ મામલે પાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સુચના અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના આઠ ફૂટ ઇન્સ્પેક્ટરની અલગ અલગ ચાર ટીમો દ્વારા છેલ્લા થોડા દિવસોથી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ફરસાણ અને મીઠાઈની દુકાન ખાતે ફાફડા અને જલેબીનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
આ સાથે ફાફડા અને જલેબીમાં વપરાતા રો-મટીરીયલ જેમાં ખાદ્ય તેલ, બેસન, મસાલા સહિતના પદાર્થનું ચેકિંગ કરવા સાથે તેના નમુના લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ગાંધીનગરથી આવેલી મોબાઇલ ટેસ્ટિંગ વાનની મદદથી વિવિધ જગ્યાએ ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવા સાથે સ્થળ પર જ તેનું પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ અખાદ્ય પદાર્થ મળી આવે છે તો તેનો સ્થળ પર નાશ કરવામાં આવી રહ્યો છે.
જીએસટીના દર ઘટવાથી ફાફડા, જલેબીના ભાવ વધ્યા નથી
સામાન્ય રીતે દર દશેરાએ ફાફડા અને જલેબીની કિંમતમાં અંદાજે પાંચથી વીસ ટકા સુધીનો ભાવ વધારો થઈ જતો હોય છે. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકારે જીએસટીના સ્લેબમાં કરેલા ફેરફારના કેટલાક રો-મટીરીયલના જીએસટીના દર ઘટ્યા છે. તેમ છતાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓએ ફાફડા અને જલેબીની કિંમત ઘટાડી નથી. મોટેભાગે ગત વર્ષ જેટલી કિંમતે ફાફડા અને જલેબી વેચાઈ રહ્યા છે.