વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 19 ના અધિકારીઓ દ્વારા વિસ્તારના લારી ગલ્લાઓ પાસે વહીવટી ચાર્જ ના નામે 3000 થી વધુ રૂપિયાની ઉઘરાણી કરતાં આજે મોરચો પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં પાલિકાની ખુલ્લેઆમ ઉઘરાણી સામે લારીધારકોએ વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તા ના કિનારે ઊભા રહીને લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને વહીવટી શુલ્ક તેમજ ગંદકી સુલ્કના નામે દર મહિને 700 થી 1000 રૂપિયા સુધીની પાવતી પાલિકા દ્વારા આપવામાં આવે છે આ પાવતી પેટે ભેગો કરાતો દંડ પાલિકા પોતાની તિજોરીમાં મૂકે છે અને અંતે તો આ લારીધારકોને ગેરકાયદેસર વેપાર કરવા માટે કેટલીક વાર દબાણ શાખા લારીઓ ઉઠાવી પણ લે છે.
લારીધારકો દ્વારા પાલિકાની બોર્ડ કચેરીમાં વહીવટી સુલ્ક ના નામે 700 થી હજાર રૂપિયા ભર્યા બાદ પણ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા એક લારી દીઠ 3100 ની પઠાણી ઉઘરાણી શરૂ કરતાં આજે તરસાલી અને મકરપુરા વિસ્તારના વહીવટી વોર્ડ 19 ના લારી ધારકો પાલિકાની કચેરીએ આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ પાલિકા ના વોર્ડ અધિકારીઓ દ્વારા થતી ખુલ્લેઆમ ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
એક તરફ પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના હેઠળ નાના વેપારીઓને પગભર કરવા માટે ઓછા વ્યાજની લોન પાલિકા દ્વારા જ આપવામાં આવે છે ત્યારે બીજી તરફ વહીવટી ચાર્જ ના નામે આવા નાના લારી ધારકો પાસેથી મન ફાવે તેવી રકમ પાલિકાના વોર્ડ કર્મચારીઓ ઉઘરાણી કરી લે છે જેના કારણે આખો દિવસ મહેનત મજૂરી કર્યા બાદ પેટિયું રડતા લારી ધારકોને ભારે નુકસાન થાય છે. આજે મોટી સંખ્યામાં તરસાલી તેમજ મકરપુરા ના લારી ગલ્લા ધારકો ખંડેરાવ માર્કેટ પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ ખુલ્લેઆમ થતી ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો