પોલીસે અરજીની તપાસ કરી બંને પક્ષોના નિવેદન લઈને જરૂર જણાય તો ગુન્હો દાખલ કરવાનો હોય તેના બદલે અરજીના આધારે સીધી એફ.આઈ.આર દાખલ કરી
કોઈ અરજદાર એમ અરજી કરે કે “કોઈ વ્યક્તિએ આવીને એમ કહ્યું કે હું અને પોલીસ કમિશ્નર તને તપાવી દઈશું” તો શું પોલીસ કમિશ્નરનું નિવેદન લીધા વિના આરોપી બનાવી શકાય ?
વડોદરા શહેરના વાડી પોલીસ મથક દ્વારા તાજેતરમાં નોંધવામાં આવેલી એક ફરિયાદે યુવકને આપઘાત કરવા સુધી પ્રેરી જવા સુધી ડિપ્રેશનમાં ધકેલી દીધો છે. જ્યાં એક મહિલા બુટલેગર દ્વારા આપવામાં આવેલી અરજીમાં બને પક્ષે નિવેદનો લીધા વિના જ પોલીસે સીધે સીધી મહિલા બુટલેગરને ફરિયાદી બનાવીને બે વ્યક્તિઓ સામે ગુન્હો દાખલ કરી દીધો હતો. મહત્ત્વની વાત તો એ જાણવા મળી છે કે આ અરજીની તપાસ એક ઉચ્ચ કક્ષાના અધિકારી કરી રહ્યા હતા. જેમાં આટલી મોટી બેદરકારી સામે આવી છે .
પ્રાપ્ત માહિતી અનુસાર મકરપુરા વિસ્તારમાં જાંબુઆ નજીક આવેલા વુડાના મકાનમાં એક મહિલા બુટલેગર નામે મીના ચૌધરી આંકડાનો જુગાર રમાડવાનો વેપલો કરતી હતી.જે સ્થળે રહેતા અક્ષય સોલંકીએ અહીંયા અનૈતિક પ્રવૃતિઓ નહીં કરવી તેમ જણાવી ધંધો બંધ કરવા કહેતા મહિલા બુટલેગર અને તેના સાગરીતોએ અક્ષય સોલંકી અને તેના મિત્રો વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકે અરજી કરી હતી. જેમાં આંકડાનો ધંધો કરવા માટે અક્ષય અને તેના મિત્રો રૂપિયા માંગતા હોવાની વિગતો લખી હતી. મકરપુરા પોલીસે બંને પક્ષે નિવેદનો લીધા હતા. અને ત્યાર બાદ અરજી પાયા વિહોણી લાઆગતાએ ગુન્હો નોંધ્યો ન હતો. જોકે ત્યાર બાદ મહિલા બુટલેગર કોર્ટ માંથી હુકમ લાવતા એફ.આઈ.આર કરવામાં આવી હતી.
આ જ ઘટનામાં ફરી એક વાર મહિલા બુટલેગરે તેના જુના ઘર ચોખંડી વિસ્તારના સરનામેથી વાડી પોલીસ મથકમાં અક્ષય સોલંકી એ બુટલેગરના પુત્રને ધાક ધમકી આપ્યાની અરજી વાડી પોલીસ મથકમાં કરી હતી. જે અરજીની તપાસ વાડી પોલીસ મથકના એક અધિકારી દ્વારા કરવામાં આવતી હતી. અરજીમાં કરેલા આક્ષેપ પ્રમાણે વાડી પોલીસે તપાસ કરવાની હોય અને જે વ્યક્તિઓ પર ધાક ધમકીના આક્ષેપ કર્યા છે. તેઓના નિવેદનો લેવાના હોય, ત્યારે વાડી પોલીસે ઉલ્લેખ કરેલા બંને સામેવાળા માંથી કોઈનો પણ સંપર્ક કે નોટિસ બજવણી વિના બંને વ્યક્તિઓને આરોપી બનાવીને ગુન્હો નોંધી દેવામાં આવ્યો હતો.
વાડી પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં મહિલા ફરિયાદી એમ કબૂલે પણ છે કે તેઓ આંકડાનો ધંધો કરતી હતી.અને આ વાત નો ઉલ્લેખ પોલીસ એફ.આઈ.આરમાં પણ કરે છે. તેમ છતાંય પોલીસને મહિલાની ફરિયાદમાં કંઈજ શંકાસ્પદ લાગ્યું નહિ અને બુટલેગર તેમજ ગુન્હાહિત ઇતિહાસ ધરાવતી મહિલાની ફરિયાદના આધારે બે વ્યક્તિઓને આરોપી બનાવી દેવાયા.
Advertisement
બુટલેગરને પડખે ઉભેલી પોલીસે આરોપી બનેલા અક્ષય સોલંકીનું નિવેદન પણ નહીં લેતા અંતે આજે અક્ષય સોલંકીએ પોલીસ અને બુટલેગરના સાગરીતોના ત્રાસથી આપઘાત કરવાની કોશિશ કરી, હાલ અક્ષય સોલંકી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અક્ષય સોલંકીએ સ્યુસાઇડ નોટ પણ લખી છે. શું પોલીસ હવે ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરેલા કોઈ પણ વ્યક્તિના નિવેદન લીધા વિના ગુન્હો નોંધશે ?