વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાંથી વડોદરા SOG પોલીસે 11 લાખ રૂપિયાની કિંમતનો 111 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 2 મહિલા સહિત 3 આરોપીને ઝડપી પાડયા છે. પતિ ડ્રગ્સના કેસમાં જેલમાં ગયા બાદ પત્નીએ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે. મેફેડ્રોન ડ્રગ્સ આ આરોપીઓ મુંબઇથી લાવ્યા હતા.
વડોદરા SOG પોલીસને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા નવાબવાડામાં આવેલા મોઇન એપાર્ટમેન્ટમાં 3 આરોપી MD ડ્રગ્સનો જથ્થો વેચવા માટે લાવ્યા છે. જેને આધારે વડોદરા SOG પોલીસે મોઇન એપાર્ટમેન્ટના ઘરમાં રેડ કરી હતી અને જ્યાં 11.09 લાખ રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જ્યારે ડ્રગ્સ વેચીને ભેગા કરેલા 94 હજાર રૂપિયા પણ પોલીસે જપ્ત કર્યાં છે. આમ કુલ 12.49 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસને તપાસ દરમિયાન મળી આવ્યો હતો.
આરોપી રેહાના ઇમરાનખાન ઉર્ફે ચિકનદાનો પઠાણ (રહે. મોઇન એપાર્ટમેન્ટ, નવાબવાડા, મચ્છીપીઠ, વડોદરા), મોહંમદકામીલ મોહંમદકાસીમ શેખ (રહે. હસનેન ફ્લેટ, નવાબવાડા, મચ્છીપીઠ, વડોદરા) અને નિગત મોહંમદકામીલ શેખ (રહે. હસનેન ફ્લેટ, નવાબવાડા, મચ્છીપીઠ, વડોદરા)ની વડોદરા SOG પોલીસે ધરપકડ કરી છે. ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપી ફૈઝલ (રહે. માહીમ, મુંબઇ)ને વોન્ટેડ જાહેર કર્યો છે.