ગુજરાતની વધુ એક પરીક્ષામાં ગેરરીતિ કરાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે લેવાયેલ NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ મોટું કૌભાંડ ઝડપાયુ છે. આ કૌભાંડનું વડોદરા કનેક્શન હોવાનું બહાર આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડને ખુલ્લું પાડવા માટે કમર કસવામાં આવી હતી. જેના બાદમાં બાતમી મળતા જીલ્લા કલેકટર, જીલ્લા અધિક કલેકટર અને DEO તપાસ માટે પરીક્ષા કેન્દ્ર પર પહોચ્યા હતા. જ્યાં પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી મળી રૂ. 7 લાખની રોકડ રકમ મળી આવી સાથે જ પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેનમેન્ટના મોબાઈલમાંથી whatsapp ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વડોદરા એસઓજી પોલીસે વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોયની ધરપકડ કરી હતી