- મસાલેદાર જુગારનો ચટાકેદાર કિસ્સો
- નેતાજીના અંધાધૂંધ જુગારનો કિસ્સો ચર્ચાના એરણે ચડ્યો
- હારેલો નેતા બમણું રમ્યો અને એક કરોડ રુપિયા હારી ગયો
ન્યુઝ ડેસ્ક – શ્રાવણ મહિનો આવે એટલે બાવન પત્તાના જુગારના કિસ્સા છાપે ચડે એ વાત નક્કી જ હોય. પણ શ્રાવણના એક મહિના પહેલા આજે અમે તમને મસાલેદાર જુગારનો એક ચટાકેદાર કિસ્સો પિરસી રહ્યા છીએ. ફિલ્મીઢબે ખેલાયેલા આ જુગારનો કેસ પોલીસ ચોપડે નોંધાયો તો નથી પણ એની ચર્ચા રાજકારણમાં બુલેટ સ્પિડે જરુર પ્રસરી રહી છે.
વાત એવી છે કે, મહીસાગર નદીના કિનારે આવેલા એક વૈભવી ફાર્મહાઉસમાં અમાસની અંધારી રાત્રે બાવન પત્તાનો મોટો જુગાર ખેલાયો હતો અને આ જુગારે માત્ર વડોદરા જ નહિ પણ સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. તમને થશે કે, જુગારના ખેલ અને રાજકારણ વચ્ચે શો સંબંધ ? તો તમને જણાવી દઈએ કે, ફાર્મહાઉસમાં બાવન પત્તાના જુગારના ખેલી બીજા કોઈ નહિ પણ ધોળા ઝભ્ભાધારી નેતાઓ અને માલેતુજાર બિલ્ડરો હતા તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં છે.
હવે, સવાલ એ થાય કે, ફાર્મહાઉસના બંધ બારણે રમાયેલા જુગારને લીધે રાજ્યના રાજકારણમાં ગરમાવો કેમ આવે ? આ સવાલનો જવાબ સાંભળીને તમે હચમચી જશો. વાત એવી છે કે, નેતાઓ અને બિલ્ડરો વચ્ચે રમાયેલા જુગારની હારજીતનો આંકડો અધધ..પાંચ કરોડ રુપિયા છે તેવી ચર્ચાએ પણ કુતુહલ સર્જ્યું છે.
ચર્ચા તો એવી પણ છે કે,, બાવન પત્તાના જુગારના આ ખેલમાં ચાર મોટા નેતાઓ એક જ રાતમાં સાડા ત્રણ કરોડ રુપિયા જેટલી જંગી રકમ હારી ગયા હતા. નેતાઓના બેફામ જુગારની આ વાત વડોદરાના રાજકારણમાં વહેતી થઈ છે. જોકે, એની સત્યતા સ્વીકારવા કોઈ તૈયાર નથી પણ એનો ગણગણાટ બધાના કાને અથડાઈ રહ્યો છે. કહેનારા તો એવું પણ કબુલે છે કે, ફાર્મહાઉસમાં ખેલાયેલા આ અંધાધૂંધ જુગારનો રોમાંચક કિસ્સો છેક દિલ્હી સુધી પહોંચી ગયો છે અને મોવડી મંડળે એની ગંભીર નોંધ પણ લીધી છે.