વડોદરાના બરાનપુરા વિસ્તારમાં કિન્નર સમાજની બે સભ્યો પર હુમલો.રોશની કુવર અને માહી કુવરે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
- ફરિયાદ મુજબ બંને ગુરુમા સાથે ગોરવા વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કર્યા બાદ બપોરે અખાડે પરત આવ્યા હતા.
- બપોરે પોણા એક વાગ્યે રોશની કુવર જમવા જતા ચાર મહિલાઓ રિક્ષામાં આવી હુમલો કર્યો.
- હુમલાખોરોએ ત્રણ ગ્રામનો સોનાનો અછોડો ખેંચી લઈ ગયા.
વડોદરા: બરાનપુરા વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વર મહાદેવની ગલીમાં કિન્નર સમાજની બે સભ્યો પર ચાર મહિલાઓએ હુમલો કરી ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે.રોશની કુવર અને માહી કુવરે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઈ કાલે તેઓ પોતાના ગુરુમા સાથે ગોરવા વિસ્તારના અલગ-અલગ સ્થળોએ ભિક્ષાવૃત્તિ માટે ગયા હતા.
બપોરે 12.30 વાગ્યે તેઓ બરાનપુરા માસીબાઓના અખાડે પરત આવ્યા હતા. હાલ અખિલ ભારતીય કિન્નર સંમેલનને ધ્યાનમાં રાખીને સમાજ માટેના કેટલાક નિયમો ઘડવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.બપોરે પોણા એક વાગ્યાની આસપાસ રોશની કુવર જમવા માટે સિદ્ધેશ્વર મહાદેવની ગલીમાં મકાન તરફ જઈ રહી હતી ત્યારે રિક્ષામાં આવેલ અર્ચના કુવર (રહે–કમલાનગર, આજવા રોડ), રેશમા કુવર (રહે–મહાનગર વુડાના મકાનમાં), સૌમ્ય કુવર (રહે–પાણીગેટ) તથા રોશની કુવારે તેના વાળ પકડીને મારઝૂડ કરી હતી.
હુમલાખોરોએ ધમકી આપી હતી કે નિઝામપુરા અને ગોરવા વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરવા નહીં જવું, નહિતર જાનથી મારી નાખીશું.આ હુમલામાં આરોપણીઓએ ત્રણ ગ્રામ વજનનો સોનાનો અછોડો ખેંચી લઈ ગયા હતા. પીડિતાની બૂમાબૂમ થતાં લોકો દોડી આવતા ચારેય હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વાડી પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.