Vadodara

દર ચોમાસાની સમસ્યા: વડોદરા પાસે જાંબુઆ બ્રિજથી પોર તરફ જતા હાઇવે પર ચક્કાજામ

Published

on

  • ત્રણ લોકસભા સાંસદોનો વિસ્તાર હોવા છતાંય વર્ષોથી સમસ્યાનું સમાધાન નહીં!
  • હાઇવે ઓથોરીટી દ્વારા સમયસર ખાડા પૂરાણનું કામ હાથમાં નહી લેવામાં આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
  • શહેરની જેમ હાઇવે પર પણ ખાડાઓએ સામ્રાજ્ય જમાવ્યું
  • હાઇવે પર જાબુઆ બ્રિજ પાસે વાહનોની ગતિ ધીમી પડી

ચોમાસામાં વડોદરાથી પોર તરફ જતા જાબુઆ બ્રિજ પર મુસાફરી કંટાળાજનક અને સમય ખર્ચાળ બની જાય છે. જાબુઆ બ્રિજ પર યોગ્ય સમારકાન નહીં થયું હોવાના કારણે તેના પર ખાડેખાડા જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહનો ધીમેથી પસાર થવા મજબુર બની રહ્યા છે. હાઇવે પર વાહનોની ગતિ ઘટના પાછળ લાંબી કતારો જામી જાય છે. આ દ્રશ્યો વિતેલા બે દિવસથી સતત જોવા મળી રહ્યા છે. વડોદરા પાસે આવેલી જીઆઇડીસીમાં કામ અર્થે જતા આખું ચોમાસુ આ પરિસ્થિતીમાંથી પસાર થશે. વડોદરા નજીક નેરો બ્રિજના વિસ્તરણને મંજુરી આપવામાં આવી છે. પરંતુ તેમાં સમય લાગશે. જો તંત્રઆ હાઇવે પરના ખાડાનો સમયસર ઇલાજ કરે તો લોકોને ચોક્કસથી ટુંકા ગાળા માટે રાહત મળી શકે છે.

ચોમાસાની રુતુમાં માત્ર વડોદરા શહેરમાં જ નહિં પરંતુ હાઇવે પર પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. હાઇવે પર ખાડા હોવાના કારણે પસાર થતા વાહનોની ગતિ ધીમી પડે છે. જેથી ખાડાવાળા રોડ નજીક વાહનો કતારબંધ લાગી જાય છે. આવી જ સ્થિતી વડોદરા પાસે આવેલા જાંબુઆ બ્રિજથી પોર-બામણગામ તરફ જતા રસ્તાની થઇ છે. આ રસ્તે ખાડા ખાબોચિયા હોવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી રહી છે. હાઇવે ઓથોરીટી દ્વારા સમયસર ખાડા પૂરાણનું કામ હાથમાં નહી લેવામાં આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વડોદરા પાસે બોટલનેક ગણાતા અનેક નેરો બ્રિજના વિસ્તરણના કાર્યને કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. પરંતુ તે પ્રોજેક્ટને પૂર્ણ થતા વાર લાગે તેમ છે. આ દરમિયાન જો હાઇવે ઓથોરીટી સમયસર ખાડાઓનું સમારકામ કરે તો લોકોને હાલ પુરતી રાહત થઇ શકે તેમ છે. અગાઉ હાઇવે પરના ખાડા ટુ વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થયા હતા. આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે પણ આ ખાડાઓનું સમયસર સમારકામ જરૂરી જણાય છે. હવે આ સમસ્યા સપાટી પર આવ્યા બાદ તંત્રની આંખો ક્યારે ઉઘડે છે તે જોવું રહ્યું.

મહત્વનું છે કે,વડોદરા જીલ્લાના આ હાઇવેના બોટલનેક જેવા ચાર બ્રિજમાં બે લોકસભા વિસ્તાર લાગે છે. બામણગામમાં ભરૂચ, પોરમાં ભરૂચ, જાંબુઆ બ્રિજમાં વડોદરા અને દેણા બ્રિજમાં વડોદરા લોકસભાની હદ લાગે છે. બે સક્ષમ સાંસદ હોવા છતાંય આ સમસ્યાનો કોઈ હલ નથી. પરિવહનની પ્રાથમિકતા પર તંત્રનું ધ્યાન નથી.

Trending

Exit mobile version