શહેરના નાગરવાડા વિસ્તારમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ પાલિકા દ્વારા સંવેદનશીલ વિસ્તારોના માર્ગો ઉપરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી વચ્ચે MGVCL ના માંડવી સબ ડિવિઝનમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ ચોરી સામે દરોડા પાડવામાં આવ્યા હતા. વીજ કંપની દ્વારા 625 વીજ કનેક્શન ચકાસ્યા હતા. જેમાંથી 32 વીજ કનેક્શનોમાંથી રૂપિયા 30 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી. આ ઝુંબેશના પગલે વીજ ચોરોમા ગભરાટ ફેલાઇ ગયો છે.
શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારે અને સાંજે ઠંડીનો ચમકારો છે. જ્યારે બપોરના સુમારે ગરમીનો અહેસાસ થઈ રહયો છે. લોકો હજી પણ બપોરના સુમારે એસી અને કુલરનો સહારો લઈ રહ્યા છે. પંખા પણ ધમધમી રહ્યા છે. ત્યારે, હજી પણ શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં વીજ ચોરીનો સિલસિલો યથાવત રહ્યો હોવાનું ધ્યાને આવતા મધ્ય ગુજરાત વીજ કંપનીના વડોદરા માંડવી સબ ડિવિઝન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકીગ હાથ ધરવામાં આવ્યું હતું.
મળેલી માહિતી પ્રમાણે માંડવી સબ ડિવિઝનમા આવતા 5 ફીડરમા આવતા અને સંવેદનશીલ વિસ્તારો મનાતા હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં શહેરના પાણીગેટ રોડ દૂધવાલા મોહલ્લા ચુડીવાલા ગલી, ભદ્ર કચેરી રોડ, છીપવાડ, ચાબુકસવાર મોહલ્લો,પટેલ ફળિયા 1-2 ,યાકુતપુરા મીનારા કોમ્પ્લેક્સ, સરસિયા તળાવ રોડ, ચોરા પાસે, બુમલા વાળી ગલી, રેશમવાલાનો ખાંચો, અંબે માતાનો ખાંચો, ધૂળધોયાવાડ, ફતેપુરા, હાથીખાના ભાંડવાડા, મીઠા ફળિયા, ઊંડા ફળિયા, ગેંડા ફળિયા, રાવત શેરી, ખારી તલાવડી, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પોલીસના બંદોબસ્ત સાથેની વિવિધ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.
વીજ કંપની દ્વારા કુલ 625 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 32 જેટલા કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી. હાથીખાના ફીડર વિસ્તારમાંથી 3.82 લાખ સરસીયા તળાવ ફીડર વિસ્તારમાંથી – 7.42 લાખ, જ્યુબેલીબાગ ફીડર વિસ્તારમાંથી – 11.50 લાખ, ફતેપુરા ફીડર વિસ્તારમાંથી – 6.47 લાખ અને બાજવાડા ફીડર વિસ્તારમાંથી 83 લાખ મળી કુલ્લે રૂપિયા 30 ઉપરાંતની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. આ અંગે વીજ કંપનીની ટીમોએ વીજ અધિનિયમ મુજબની કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે વીજ અધિનિયમ 2003 ની કલમ 135 મુજબ ગ્રાહકને દંડ પોલીસ કેસ અને દીવાની દાવો કરવામાં આવે છે. કલમ 135 માં એક તો પોલીસ કેસ થાય છે તેમજ કંપનીની ગણતરી પ્રમાણે ઘણો મોટો દંડ થાય છે. આ સાથે જ દિવાની રાહે પૈસા વસૂલ કરવા કંપની કેસ દાખલ કરે છે અને ગ્રાહક દંડ ભરે નહીં તો તેનું વીજ જોડાણ કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે.