તંત્રની નબળાઈ કે મિલીભગત?સત્તાના જોરે કાયદો ગજવામાં! શું ચૂંટણી પંચ અને પોલીસ આ મામલે કડક પગલાં ભરશે કે થશે ‘વરઘોડા’?
વાયરલ વીડિયો:સોશિયલ મીડિયા પર ખુલ્લી તલવારો સાથેના દ્રશ્યો વાયરલ; નાગરિકોમાં સુરક્ષા સામે ગંભીર સવાલો.
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નંબર-૩ માંથી એક અત્યંત ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ભાજપના ઉમેદવારોના સ્વાગત દરમિયાન કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. રેલીમાં 40 થી વધુ યુવાનોના ટોળાએ હાથમાં ખુલ્લી તલવારો લહેરાવીને જાણે પોતાની ‘તાકાત’નું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
🧐આચાર સંહિતાના ઉલાળિયા:
ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડીને આચાર સંહિતાનું ચુસ્ત પાલન કરવા અને હથિયારોના પ્રદર્શન પર પ્રતિબંધ હોવા છતાં, આ રેલીમાં ખુલ્લેઆમ હથિયારો સાથે પ્રદર્શન કરાયું હતું. સત્તાના નશામાં ચૂર આ યુવાનો અને રેલીનું આયોજન કરનારાઓ કાયદાને ગાંઠ્યા વગર જ શહેરના રસ્તાઓ પર ફરી રહ્યા હતા. વીડિયો વાયરલ થતા હવે લોકોમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે, શું સત્તાધારી પક્ષના ઉમેદવારો માટે કાયદો અલગ છે?
🫵તંત્ર પર ઉઠતા સવાલો:
આ ઘટનાએ પોલીસ અને ચૂંટણી પંચની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. શું પોલીસ આવા પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરશે કે પછી સત્તાના દબાણ હેઠળ માત્ર ‘વરઘોડા’ કાઢીને આંખ આડા કાન કરશે? સામાન્ય નાગરિક જ્યારે નાનો ગુનો કરે ત્યારે પોલીસ તત્કાલ કાર્યવાહી કરે છે, પરંતુ રાજકીય નેતાઓની રેલીમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છતાં તંત્ર કેમ લાચાર બની જાય છે? તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.
👉ચૂંટણીમાં લોકશાહીના પર્વ તરીકે ઓળખાતા આ માહોલમાં હથિયારોનું આ પ્રદર્શન લોકોમાં ભય ફેલાવવાનું કામ કરી રહ્યું છે. જો ચૂંટણી પંચ આ બાબતે મૌન રહેશે, તો આગામી દિવસોમાં આવી ઘટનાઓમાં વધારો થવાની પૂરી શક્યતા છે.