Vadodara

વડોદરામાં ‘બેવડી ઋતુ’નો માર: સયાજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં મોટો ઉછાળો

Published

on

સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં વિચિત્ર પલટો જોવા મળી રહ્યો છે. શહેરીજનો વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરા તાપનો સામનો કરી રહ્યા છે. આ ‘ડબલ સીઝન’ને કારણે વડોદરાવાસીઓના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી છે, જેને પગલે શહેરની હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.

🏥સયાજી હોસ્પિટલની OPDમાં 5 થી 7 ટકાનો વધારો

મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસ.એસ.જી. (સયાજી) હોસ્પિટલમાં હાલ દર્દીઓનો ભારે ધસારો છે. હોસ્પિટલના RMO ડો. હિતેન્દ્ર ચૌહાણના જણાવ્યા અનુસાર:

  • તાપમાનમાં આવતા મોટા ઉતાર-ચઢાવને કારણે વાતાવરણમાં વાયરલ લોડ વધ્યો છે.
  • પ્રદૂષણ અને ધૂળના રજકણોને લીધે શ્વસનતંત્રની બીમારીઓ વકરી છે.
  • સામાન્ય દિવસોની સરખામણીએ દૈનિક OPDમાં 5 થી 7 ટકાનો વધારો નોંધાયો છે.

🤧થ્રોટ ઇન્ફેક્શન અને સૂકી ખાંસીના કેસોમાં ચિંતાજનક વધારો

આ વખતે તબીબોના નિરીક્ષણમાં એક નવી પેટર્ન જોવા મળી છે. માત્ર સામાન્ય શરદી જ નહીં, પરંતુ ‘થ્રોટ ઇન્ફેક્શન’ એટલે કે ગળામાં દુખાવો, અવાજ બેસી જવો અને ગળવામાં તકલીફ પડવી જેવી સમસ્યાઓ વધુ જોવા મળી રહી છે. બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન સીધું ગળા પર અસર કરી રહ્યું છે.

🧑‍⚕️ડૉક્ટરની ચેતવણી: જાતે દવા લેવાનું ટાળો

ડો. હિતેન્દ્ર ચૌહાણે વડોદરાવાસીઓને ખાસ ચેતવણી આપી છે કે:

  1. સેલ્ફ મેડિકેશન ટાળો: સામાન્ય શરદી સમજી મેડિકલ સ્ટોર પરથી જાતે એન્ટીબાયોટીક્સ લેવી નુકસાનકારક હોઈ શકે છે.
  2. નિષ્ણાંતની સલાહ: જો લક્ષણો વધુ જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાના કે નિષ્ણાંત ડોક્ટરનો સંપર્ક કરવો.
  3. પર્યાવરણથી સાવધ: વધતા પ્રદૂષણ અને ધૂળથી બચવા માસ્ક કે રૂમાલનો ઉપયોગ કરવો હિતાવહ છે.

Trending

Exit mobile version