ગંભીર ઇજાગ્રસ્ત મુકેશ રાઠવાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોત નિપજ્યું હતું
વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ ના ગોપાલપુરા ગામ પાસે બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ ભયંકર અકસ્માતમાં એક પોલીસ કર્મી સહિત ત્રણના મોત થયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટના પાછળનું કારણ હજીસુધી જાણી શકાયું નથી. આ ભયાનક અકસ્માતમાં માનવ શરીરના અવશેષો અને લોહી રોડ પર વિખેરાયોલા જોવા મળી રહ્યા છે. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ તથા સ્થાનિક પોલીસ દોડીને ઘટના સ્થળે પહોંચી છે. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા શહેર – જિલ્લામાં જીવલેણ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. આજે વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇના ગોપાલપુરામાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જે અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ત્રણ મિત્રો સુરેશ રાઠવા, હરેશ રાઠવા અને મુકેશ રાઠવા બાઇક પર લગ્નપ્રસંગે કવાંટ ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન ગોપાલપુરા પાસે બોલેરો ચાલક દ્વારા પુર ઝડપે ટક્કર મારતા ત્રણેય ફંગોળાઈને પટકાયા હતા. ત્રણ પૈકી બે નું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ગંભીર ઇજાગ્રસ્ત મુકેશ રાઠવાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે.
Advertisement
મુકેશ રાઠવા પોલીસ કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા, જ્યારે તેમના અન્ય બે મિત્રોએ તાજેતરમાં પીએસઆઇની પરીક્ષા આપી હોવાનું પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું છે. ઘટનાને પગલે વધુ એક વખત પુરઝપડે વાહન હાંકીને યમરાજ બનીને ફરતા વાહનો પર લગામ કસવાનો મુદ્દો સપાટી પર આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્સુલન્સનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું કે, આ ઘટનામાં માનવ અવશેષો અને લોહી રસ્તા પર વિખેરાયેલા જોવા મળ્યા હતા. જેને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. હવે ઝડપખોરો પર લગામ કસવાની સાથે આ કૃત્ય અચરનાર કેટલા સમયમાં પોલીસની ગિરફ્તમાં આવે છે તે જોવું રહ્યું.