પાણી વગર પાક મુરઝાયો: વઢવાણાના ખેડૂતોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી.
ડભોઇ તાલુકાના વઢવાણા વિસ્તારમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જે ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે, આજે એ જ ખેડૂત સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે કેનાલોના નવીનીકરણ માટે કરોડો રૂપિયા મંજૂર થયા, તે રૂપિયા ક્યાં ગયા એ કોઈને ખબર નથી!
આ દ્રશ્યો છે ડભોઇ તાલુકાના વઢવાણા વિસ્તારના. વઢવાણા તળાવમાંથી નીકળતી પાંચ અલગ-અલગ ઝોનની કેનાલો આસપાસના 22 ગામો માટે જીવાદોરી સમાન છે. પરંતુ આજે આ જીવાદોરી જ જોખમમાં છે.
શું છે સમગ્ર મામલો? 4 વર્ષ પહેલાં તંત્ર દ્વારા આ કેનાલોના નવીનીકરણ માટે 4 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી. અધિકારીઓએ સર્વે કર્યો, માપણી કરી અને ખેડૂતોને આશા જાગી કે હવે દિવસો બદલાશે. પરંતુ 4 વર્ષ વીતી ગયા છતાં, ધરાતલ પર એક ઈંટ પણ મુકાઈ નથી.
🧐તંત્રની આ ઘોર ઉદાસીનતાને કારણે 22 ગામના ખેડૂતો પાયમાલ થવાની આરે છે. સવાલ એ થાય છે કે જો બજેટ ફાળવાઈ ગયું હતું, તો એ રકમનો ઉપયોગ ક્યાં થયો? શું અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસીને કાગળ પર જ કેનાલોનું સમારકામ કરી રહ્યા છે?
🫵હવે જોવાનું એ રહે છે કે, 22 ગામના ખેડૂતોની આ ચીમકી બાદ નિંભર તંત્ર જાગે છે કે પછી આ 4 કરોડનો વિવાદ હજુ વધુ વકરશે.