Dabhoi

પરિવારના મોભીનું કરુણ મોત: મધ્યપ્રદેશના શ્રમિક પર મગરનો જીવલેણ હુમલો, પત્ની અને બે બાળકો નિરાધાર

Published

on

  • કરુણ દુર્ઘટના: મધ્યપ્રદેશના શ્રમિકનું મગરના હુમલામાં મોત.
  • નિરાધાર પરિવાર: 40 વર્ષીય શ્રમિકના મૃત્યુથી પત્ની અને બે બાળકોએ ઘરનો આધાર ગુમાવ્યો.
  • ગ્રામજનોની જહેમત: ભારે મહેનત બાદ ગ્રામજનોએ મૃતદેહને મગરના મુખમાંથી બહાર કાઢ્યો.
  • સુરક્ષાની માંગ: નદીકાંઠાના વિસ્તારોમાં મગરોના વધતા જોખમને પગલે વન વિભાગ પાસે સુરક્ષા વધારવાની માંગ.

વડોદરા/ડભોઇ: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના પારા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા 40 વર્ષીય બજારિયાભાઈ નશરૂભાઈ નાયકનું નદીમાં મગરના હુમલાને કારણે કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

🧐ઘટનાની વિગત:

મૃતક બજારિયાભાઈ નાયક મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંઢવા તાલુકાના સુગઠ ગામના રહેવાસી હતા. તેઓ છેલ્લા બે મહિનાથી પરિવાર સાથે પારા ગામે ખેત મજૂરી કરવા આવ્યા હતા. રવિવારે બપોરે પરિવાર સાથે નદી કિનારે ગયેલા બજારિયાભાઈ ન્હાવા માટે નદીમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક એક મગરે તેમના પર હુમલો કર્યો હતો અને તેમને ઊંડા પાણીમાં ખેંચી ગયા હતા.

⚠️ગ્રામજનોની મદદ છતાં જીવ ન બચ્યો:

પતિ પર હુમલો થતાં પત્નીએ મદદ માટે બૂમાબૂમ કરી હતી, જેના પગલે આસપાસ કામ કરતા ખેડૂતો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ મગરના મુખમાંથી બજારિયાભાઈના મૃતદેહને બહાર કાઢ્યો હતો, પરંતુ ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

🚨તંત્રની કામગીરી અને જનઆક્રોશ:

ઘટનાની જાણ થતાં જ ચાંદોદ પોલીસ, ડભોઇ વન વિભાગની ટીમ અને એનજીઓના સભ્યો સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નદીકાંઠાના વિસ્તારોમાં મગરોના વધતા જોખમ સામે વન વિભાગ દ્વારા ચેતવણીના બોર્ડ લગાવવા અને નિયમિત પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. 40 વર્ષીય શ્રમિકના અવસાનથી પત્ની અને બે નાના બાળકો પર આભ તૂટી પડ્યું છે.

Trending

Exit mobile version