વડોદરા શહેરના મધ્યમાં નિર્માણાધિન હાઈસ્પીડ બુલેટ ટ્રેન લાઇનના પ્રોજેકટ માંથી લોખંડના કિંમતી મટીરીયલની ચોરી કરીને તેનો સંગ્રહ કરી રાખનાર રીઢા ભંગારચોરને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
મુંબઇ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ બુલેટટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. હયાત રેલવે લાઈનની સમાંતર ચાલી રહેલી કામગીરીમાં કરોડોનો લોખંડનો સામાન પરિસરમાં પડ્યો રહે છે. આવા કિંમતી લોખંડ અને GIના સામાનની ભૂતકાળમાં પણ ચોરી પકડાઈ છે ત્યારે આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક ભંગરના વેપારીના ગોડાઉન માંથી 7 લાખ ઉપરાંતના કિંમતનું ભંગાર ઝડપી પાડ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરી,રાયોટિંગ હત્યાની કોશિશ જેવા 18 જેટલા ગુન્હામાં સંડોવાયેલા અહેમદખાન પઠાણે બુલેટ ટ્રેનના ભંગારની ચોરી કરી છે. જે બાતમીના આધારે પોલીસે નવાયાર્ડ વિસ્તારમાં તેના ભંગારના વખારમાં તપાસ કરવા પહોંચી હતી. પોલીસને જોઈને અહેમદખાન પઠાણ સ્થળ છોડીને ભાગવા જતો હતો તે દરમિયાન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
જ્યારે ગોડાઉનમાં તપાસતા તેમાં લોખંડ તેમજ ગેલવેનાઈઝના બુલેટ ટ્રેનના ટ્રેક નિર્માણમાં વપરાતા સાધનો મળી આવ્યા હતા. પોલીસે અહેમદખાન પઠાણની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે,આ સામાન કેટલાક મજૂરો તેઓને છૂટક વેચાણ કરીને ગયા છે.
જ્યારે આધાર પુરાવા વિનાનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભંગાર મળતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીને બોલાવીને ફતેગંજ પોલીસ મથકમાં ભંગાર ચોરીની ફરિયાદ નોંધાવીને આરોપી અહેમદખાન પઠાણની ધરપકડ કરીને 7,19,000રૂ. ની કિંમતના ભંગારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો