- શહેરની ગોલ્ડન ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી. તેવામાં બે બાઇક પર ત્રણ શખ્સો આવતા જણાતા તેમને રોકવામાં આવ્યા હતા.
વડોદરા શહેર જિલ્લામાં રાત્રીના સમયે મંદિરમાં પ્રવેશીને દાનપેટી તથા મૂર્તિઓની ચોરીના કિસ્સાઓ વધ્યા હતા. જેને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથમાં લેવામાં આવી હતી. આ તપાસમાં દાહોદની મેડા ગેંગનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા છે. અને તેમની પાસેથી રૂ. 5 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથમાં લેતા જ સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બે શંકાસ્પદ લોકો બાઇક પર દાહોદ તરફથી મંદિરમાં ચોરી કરવા માટે આવનાર હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે ગોલ્ડન ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી. તેવામાં બે બાઇક પર ત્રણ શખ્સો આવતા જણાતા તેમને રોકવામાં આવ્યા હતા. તમામે પોતાના નામ ઉમેશ બચુભાઇ મેડા (રહે. ગુલબાર ગામ, ગરબાડા, દાહોદ), ગોવિંદ દલસિંગભાઇ મછાર (રહે. સીમલીયા ખુર્દ ગામ, ગરબાડા) અને અજય બચુભાઇ મેડા (રહે. ગુલબાર ગામ, ગરબાડા, દાહોદ) હોવાનું જણાવ્યું હતું. તમામની અંગ જડતી કરતા તેમાંથી રોકડ, સિક્કા, મૂર્તિઓ, યંત્રો અને લગડી મળી આવ્યા હતા. તેમની પાસે બાઇક અથવા વસ્તુઓની માલિકી અંગે કોઇ પૂરાવા ન્હતા.
બાદમાં તેમની કડકાઇ પૂર્વક પુછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. અને વિતેલા 6 મહિનામાં વડોદરા શહેર, ભાયલી, ભરૂચ, પોર, કરજણ, અંકલેશ્વર, રાજકોટ – જેતલપુરમાં મોબાઇલ, વાહન તથા મંદિરમાં ચોરીના 22 ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. જે મામલે સ્થાનિક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં ઉમેશ બચુભાઇ મેડા (રહે. ગુલબાર ગામ, ગરબાડા, દાહોદ), ગોવિંદ દલસિંગભાઇ મછાર (રહે. સીમલીયા ખુર્દ ગામ, ગરબાડા) અને અજય બચુભાઇ મેડા (રહે. ગુલબાર ગામ, ગરબાડા, દાહોદ) ની ધરપકડ કરવામાં આવી છે. અને તેમની પાસેથી કુલ રૂ. 5.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામને દબોચતા 22 ગુના ઉકેલાયા છે. અજચ મેડા સામે – 4, ઉમેશ મેડા સામે – 6 અને ગોવિંગ મછાર સામે – 3 ગુના અગાઉ નોંધાયેલા છે.
આરોપીઓ ઘરની જગ્યાએ મંદિરને વધુ ટાર્ગેટ કરતા હતા. તેઓ ઘરમાં ઘાડના મામલે લાંબો સમય જેલવાસ ભાગવી ચૂક્યા છે. મંદિરમાં રાત્રે કોઇ હાજર ના હોવાથી તેની પસંદગી કરવામાં આવતી હતી. આરોપી પહેલા મંદિરની રેકી કરતા, તેની દાનપેટીને ચકાસવા તેમાં સિક્કો નાંખતા હતા. સિક્કાના અવાજ પરથી દાનપેટી કેટલી ભરેલી છે તે નક્કી કરવામાં આવતી હતી. કોઇને ભાગ ના આપવો પડે તે માટે પરિજનને જ ગેંગમાં રાખતા હતા. અગાઉના ગુનાની કોર્ટ મુદત સમયે તેઓ હાજર રહેતા હતા. આરોપી સોના-ચાંદીનની મૂર્તિને વધુ ટાર્ગેટ કરતા હતા, કારણકે તેમાંથી રોકડ આવક થઇ જાય. ચોરીના વાહનોને તે હાઇવે પર પાર્કિંગ તથા નાગરિકોના વાહન જોડે મુકતા હતા. ભાગવામાં સરળતા રહે તે માટે મંદિરથી બાઇક દુર મુકવામાં આવતી હતી. સવારે રેકી કર્યા બાદ આખો દિવસ તેઓ રેલવે, બસ સ્ટેશન અથવા તો જાહેર બગીચામાં વિતાવતા હતા.