- બીજા દિવસે પાડોશીનો તેમના પર ફોન આવ્યો હતો. અને પુછ્યું કે, તમારા ઘરની પાછળની જાળી ખુલ્લી છે, તમે આવી ગયા છો.
વડોદરા ગ્રામ્ય માં પોલીસના બંદોબસ્તથી બેફિકર થઇને તસ્કરો હાથફેરો અજમાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા ગ્રામ્યમાં વરણામા પોલીસ મથક ની હદમાંં રહેતા રહીશે ટુકડે ટુકડે કરીને સોનાની જણસ ખરીદી હતી. જેને એક રાતમાં જ તસ્કરોએ સફાયો કર્યો હોવાનું સામે આવ્યું છે. આખરે આ મામલે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વરણામાં પોલીસ મથકમાં રજનીકાંત રમણભાઇએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 7, ડિસે. ના રોજ તેઓ તેમના કેવડીયા કોલોની ખાતે રહેતા પિતાને મળવા ગયા હતા. આ અંગે તેમણે બાજુમાં રહેતા પાડોશીને જાણ કરી હતી. બાદમાં બીજા દિવસે પાડોશીનો તેમના પર ફોન આવ્યો હતો. અને પુછ્યું કે, તમારા ઘરની પાછળની જાળી ખુલ્લી છે, તમે આવી ગયા છો. જેથી તેમણે કહ્યું કે, અમે આવ્યા નથી. બાદમાં પાડોશીએ વીડિયો કોલ કરીને ઘરના પાછળના ભાગની જાળી બતાવી હતી. જે ખુલ્લી જણાતી હતી. બાદમાં પાડોશીએ ઘરમાં જઇને બતાવતા અંદર બધુ વેરવિખેર હાલતમાં હતું.
બાદમાં તેઓ પોતાના પરિવાર સાથે ઘરે દોડી આવ્યા હતા. અને ઘરે આવીને જોતા ઘરના મુખ્ય દરવાજાની જાળીના સળિયા વાળી દેવામાં આવ્યા હતા. બેડરૂમમાં આવેલા તિજોરીના લોકરમાં મુકેલી સોનાની જણસો મળીને 7 તોલાનું આશરે રૂ. 4.20 લાખની કિંમતનું સોનું અને રૂ. 32 હજારની કિંમતના ચાંદીના દાગીના ગાયબ થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ સોનાની જણસો તેમના દ્વારા વર્ષ 2018 થી 2021 સુધીમાં અલગ અલગ સમયે વસાવવામાં આવી હતી.
આખરે કુલ મળીને રૂ. 4.52 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી મામલે અજાણ્યા શખ્સો સામે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે તસ્કરને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.