વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ શાખામાં સાધન ખરીદીમાં મસ્ત મોટું કૌભાંડ થોડા સમય પહેલા બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં સામાન્ય ખરીદીને પાંચ ગણી કિંમતો પર ચુકવણી કરવામાં આવી હતી. જ્યારે આજે કોંગ્રેસ દ્વારા ફાયરબ્રિગેડ ખરીદી ભ્રષ્ટાચાર મામલે અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
25 થી 30 રૂપિયામાં આવતી સિસોટીના ફાયર બ્રિગેડના બિલમાં 250 રૂપિયાની કિંમત ચૂકવવામાં આવી હતી. આવા અનેક સાધનો ફાયર બ્રિગેડની ખરીદીમાં બજાર કિંમત કરતા પાંચ ગણી રકમ ચૂકવવામાં આવી છે. કૌભાંડ બહાર આવ્યા બાદ પાલિકાના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે હજી કૌભાંડ પાછળ કોણ જવાબદાર છે તેની યોગ્ય તપાસ થતી નથી.
શહેર કોંગ્રેસ દ્વારા આજે ખરીદી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી ને પત્ર લખવામાં આવ્યો છે. રાવપુરા જીપીઓ ખાતે શહેર કોંગ્રેસના કાર્યકરોએ એકત્રિત થઈને ફાયર બ્રિગેડના ખરીદી કૌભાંડ મામલે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસના કાર્યકરોએ સિસોટી વગાડીને ભ્રષ્ટાચારથી ખદબદતા પાલિકાના શાસકોના કાન સુધી અવાજ પહોંચે તે માટે પ્રદર્શન કર્યું હતું. આ સાથે કૌભાંડમાં આડકતરી રીતે સામેલ સ્થાયી સમિતિના સભ્યોને બરખાસ્ત કરવાની માંગણી પણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી.