વડોદરામાં રસ્તામાંથી અમને પૈસા મળ્યા છે. બેંકમાંથી નવી કોરી નોટ હોય તેવા પાંચ બંડલ મને મળ્યા હતા. ત્યાર બાદ મેં સામેના મંદિરે જઇને ફોટો લીધો.
● માંજલપુર ઇવા મોલ પાસેથી જાગૃત નાગરિકને રોકડાના બંડલ મળ્યા
● નાગરિકે ઇમાનદારી બતાવી બંડલ પોલીસ મથકમાં જમા કરાવ્યા
● મુળ માલિક સુધી પૈસા પહોંચે તે માટે વીડિયો રીલીઝ કર્યો.
વડોદરામાં સામાન્ય રીતે ઇમાનદારીના જે કિસ્સાઓ આપણે ફિલ્મોમાં જોતા હોય છે, તે હકીકતે ભાગ્યે જ જોવા મળે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના માંજલપુર પોલીસ મથકમાં એક જાગૃત નાગરિક રોકડ નોટોના બંડલ લઇને પહોંચે છે. નાગરિક પોલીસ મથક બહાર નોટોના બંડલોને હાથમાં રાખીને વીડિયો પણ બનાવે છે. અને બાદમાં આ રોકડને પોલીસને સોંપી દે છે. પ્રાથમિક રીતે જોડા બંડલ પરથી મોટી રકમ હોવાનું જણાઇ આવે છે. હવે આગળ આ મામલે શું થયું તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
જાગૃત નાગરિકે બનાવેલા વીડિયોમાં તે કહે છે કે, મારૂ નામ દેવાંગ શાહ છે, હું એલઆઇસી પ્રતાપનગર બ્રાન્ચમાંથી ઇવામોલ થઇને દરબાર ચોકડી તરફ જઇ રહ્યો હતો. ઇવા મોલ પાસે મારી જોડે દિપક કરીને છોકરો મોપેડ ચલાવતો હતો. ત્યાં રસ્તામાંથી અમને પૈસા મળ્યા છે. બેંકમાંથી નવી કોરી નોટ હોય તેવા પાંચ બંડલ મને મળ્યા હતા. ત્યાર બાદ મેં સામેના મંદિરે જઇને મેં ફોટો લીધો, તે મેં માંજલપુર પોલીસ મથકમાં જમા કરાવી રહ્યો છું. કોઇની ભૂલ થઇ હોય, તકલીફ થઇ હોય, તો તમે ચોક્કસ માંજલપુર પોલીસ મથકમાં માહિતી આપી શકો છો. ત્યાં કેમેરા પણ હતા, કેમેરામાં પણ તપાસ કરીને યોગ્ય વ્યક્તિ, જેના આ રૂપિયા છે, તેને મળે તે માટે જ હું આ પ્રયત્ન કરી રહ્યો છું.
જાગૃત નાગરિકેને મળેલા રોકડાના પાંચ બંડલ તેણે પોલીસ મથકમાં જમા કરાવીને પોતાની જવાબદારીની સાથે ઇમાનદારીની સાબિતી આપી છે. સામાન્ય રીતે આટલા રૂપિયા જોઇને કોઇનું પણ ઇમાન ડગી શકે છે. પરંતુ સંસ્કારી નગરીના નાગરિકે પોતાના ઇમાનદારીના સંસ્કારો બતાવીને તેને પોલીસ મથકમાં આપ્યા, એટલું જ નહીં મુળ માલિક સુધી આ વાત પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ પણ કર્યો હતો.