વડોદરા: શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રાહકો પાસેથી દુકાનોના નામે લાખો રૂપિયા પડાવી, ખોટા દસ્તાવેજો બનાવી વિશ્વાસઘાત કરનાર બિલ્ડર સુમિત નારાયણભાઈ પટેલની પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદી મહિલાની જાણ બહાર તેમની દુકાનોનો સોદો અન્ય વ્યક્તિ સાથે કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
📍શું છે સમગ્ર મામલો?
હરણી રોડ પર રહેતા દમયંતીબેન પાંડુભાઈ યાદવે વર્ષ ૨૦૨૨માં બિલ્ડર સુમિત પટેલની ‘કેશવ બ્લીઝ’ નામની સ્કીમમાં દુકાન નંબર ૧૪ અને ૧૫ ખરીદવા માટે સંપૂર્ણ અવેજ ચૂકવ્યો હતો. જેનો રજિસ્ટર્ડ ‘કબજા વગરનો બાનાખત’ પણ સબ-રજિસ્ટ્રાર કચેરી (બાપોદ) ખાતે કરવામાં આવ્યો હતો.
👇મુખ્ય આક્ષેપો:
ખોટી સહીઓ: ફરિયાદીની જાણ બહાર બિલ્ડરે આ દુકાનોનો ‘બાનાખત રદબાતલ’ કરવાનો બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યો.
દસ્તાવેજી છેતરપિંડી: દમયંતીબેનની ખોટી સહીઓ કરી દસ્તાવેજને સાચા તરીકે ઉપયોગમાં લીધો.
બીજીવાર વેચાણ: એ જ દિવસે બિલ્ડરે આ બંને દુકાનો અન્ય ગ્રાહકો (વરિયા ચંદ્રકાંતભાઈ અને હિમાંશુભાઈ) ને વેચી દઈ છેતરપિંડી આચરી હતી.
🚨પોલીસ કાર્યવાહી અને ધરપકડ
આ મામલે ગત નવેમ્બર ૨૦૨૫માં થયેલી અરજીની તપાસ બાદ, ગઈકાલે તા. ૦૬/૦૨/૨૦૨૬ ના રોજ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો (ફર્સ્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૩૨૬૦૦૭૨/૨૦૨૬) નોંધાયો હતો.
વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, એડિશનલ કમિશનર ડો. લીના પાટીલ અને DCP અભિષેક ગુપ્તાની સૂચના હેઠળ કપુરાઈ PI ડી.સી. રાવલ અને તેમની ટીમે (PSI જે.કે. પરમાર તથા PSI એલ.એન. સાંસલા) ટેકનિકલ સોર્સના આધારે આરોપી સુમિત પટેલને ઝડપી લીધો છે.