સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીની રંગેચંગે ઉજવણી કરવા શોભાયાત્રા કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ રામનવમીની શોભાયાત્રા દરમિયાન રામભક્તોની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાંથી નીકળનાર શોભાયાત્રા માટે પોલીસએ પૂર્વયોજિત એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં શોભાયાત્રાના રૂટ પર આવતા કેટલાક સંવેદનશીલ વિસ્તારના નાકા પતરા લગાવી પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યા છે.આ સાથે જ પોલીસે ફેસ રેકોગ્નાઈઝેશન કેમેરા પણ લગાવી દીધા છે. જેના થી તોફાની તત્વોની ઓળખ થઇ શકે.
આ અગાઉની શોભાયાત્રામાં થયેલ જૂથ અથડામણમાં સંડોવાયેલા તત્વોને પણ કેમેરાથી શોધી પોલીસ પકડી પાડવામાં આવશે. તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન કેમેરા ઉડાડી પોલીસ દ્વારા દરેક જગ્યાએ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રામજીની યાત્રામાં 1500 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાશે. પોલીસ દ્વારા રામજીની શોભાયાત્રાના રૂટ પર અત્યારથી જ પોલીસ જવાનો ઉભા કરી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.