- અમારા વિસ્તારના કોર્પોરેટર ઉમંગભાઇ, લીલાબેન અને અવનીબેન બધાયને ટેલિફોનિક જાણ કરી છે, પરંતુ આજદિન સુધી કંઇ થયું નથી
- ભાયલીમાં રોડના ખાડામાં પરિવાર પડતા બાળક ઇજાગ્રસ્ત થયું
- આ ઘટનાથી જાગૃત નાગરિક વ્યથિત થયા, ખાડા પૂરવા કોર્પોરેટરને કહ્યું
- આખરે કોઇ મદદ નહીં મળતા સ્વખર્ચે ખાડા પૂરાવ્યા
વડોદરા સહિત દેશભરમાં હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. આ દરમિયાન ખાસ કરીને વડોદરામાં રોડ-રસ્તાની હાલત ભારે ખરાબ થઇ છે. જેને પગલે નાગરિકોને ભોગવવાનો વારો આવે છે. વડોદરાના સરદાર એસ્ટેટમાં તો ખાડામાં રીક્ષા પડતા ચાલક પટકાયો હતો. અને ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનામાં ચાલકે જીવ ગુમાવ્યો છે. રોડ-રસ્તા પરના ખાડા દૂર કરવા માટે તંત્રને અનેક રજુઆતો છતાં કામ સમયસર નહીં થતું હોવાની બુમો ઉઠવા પામી છે. ત્યારે હવે ખાડા પૂરવા માટે નાગરિકો આત્મનિર્ભર બની રહ્યા છે. ભાયલી ગામમાં ખાડામાં પડવાથી બાળકને ઇજા થવાથી જાગૃત નાગરિકે સ્વખર્ચે ખાડા પૂરાવવાનું કામ હાથમાં લીધું છે. જે પાલિકા તંત્ર માટે ખરેખર શર્મની વાત છે.
ચોમાસામાં વડોદરાના ખાડોદરાનું ઉપનામ આપવામાં આવે છે. આ પાછળ દર વર્ષે ચોમાસામાં સર્જાતી પરિસ્થિતી અને તેને પહોંચી વળવામાં પાલિકા તંત્રની નાકામી જવાબદાર છે. આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં જ રોડ પર કમ્મકતોડ ખાડા જોવા મળી રહ્યા છે. આ ખાડા એક વખત જીવલેણ પણ સાબિત થઇ ચૂક્યા છે. છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી અને આયોજનના અભાવે નાગરિકો ભોગવી રહ્યા છે. તાજેતરમાં ભાયલીમાં ખાડામાં પડતા એક બાળકને ફ્રેક્ચર થયું હતું. તે બાદ કોર્પોરેટરેને જાણ કરતા ખાડા ભરવા માટે કોઇ કામગીરી કરવામાં આવી ન્હતી. જેથી જાગૃત નાગરિકે જાતે જ આગળ આવીને ખાડા પૂરાવ્યા હતા.
સ્થાનિક જાગૃત નાગરિક અનિલભા્ઇ મંગળભાઇ પટેલે મીડિયાને જણાવ્યું કે, ચાર-પાંચ દિવસ પહેલા પાદરાનું એક પરિવાર બાઇક પર જતું હતું. તેઓ ખાડામાં પડી ગયા હતા. જેમાં નાના છોકરાને હાથે ફ્રેક્ચર થયું હતું. આ રાતના સમયની ઘટના હતી. બીજા દિવસે સવારે મેં સ્થાનિક કોર્પોરેટરને રજુઆત કરી કે, આ ખાડા તાત્કાલિક પૂરાવો. પરંતુ આજે ત્રણ-ચાર દિવસ થઇ ગયા, પરંતુ તેમણે કોઇ ધ્યાન આપ્યું નથી. અમારા વિસ્તારના કોર્પોરેટર ઉમંગભાઇ, લીલાબેન અને અવનીબેન બધાયને ટેલિફોનિક જાણ કરી છે, પરંતુ આજદિન સુધી કંઇ થયું નથી. જેથી હું સ્વખર્ચે ખાડા પૂરાવી રહ્યો છું. આ ભાયલી-રાયપુરા રોડની શરૂઆતની જગ્યા છે. ત્યાં આ કામ ચાલી રહ્યું છે.