Vadodara

સાવધાન: પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે વડોદરામાં રિટાયર્ડ બેંક મેનેજર સાથે ₹10 લાખની છેતરપિંડી

Published

on

  • બેંક મેનેજર જ બન્યા શિકાર: BOB ના નિવૃત્ત મેનેજર સાથે પેન્શન વેરિફિકેશનના બહાને ₹10 લાખની ઓનલાઈન ઠગાઈ.
  • APK ફાઈલની જાળ: વેરિફિકેશનના નામે APK ફાઈલ ડાઉનલોડ કરાવી અને વોટ્સએપ સ્ક્રીન શેરિંગ દ્વારા ખેલ ખેલાયો.
  • 38 મિનિટમાં ખેલ ખતમ: સ્ક્રીન શેરિંગ ચાલુ રખાવી ઠગોએ બે ખાતામાંથી ₹5-5 લાખ ટ્રાન્સફર કરી લીધા.
  • સાયબર ક્રાઈમમાં ફરિયાદ: પોલીસે ટેકનોલોજી એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા.

વડોદરા: સાયબર ગુનેગારો હવે એટલા શાતિર બન્યા છે કે તેઓ બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતોને પણ પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. શહેરના સુસેન-તરસાલી રિંગ રોડ પર રહેતા બેંક ઓફ બરોડાના એક નિવૃત્ત મેનેજર સાથે લાઈફ સર્ટિફિકેટ વેરિફિકેશનના બહાને ₹10 લાખની છેતરપિંડીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

📌ઘટનાની વિગત:

સુસેન-તરસાલી રિંગ રોડ નિવાસી 65 વર્ષીય પરેશભાઈ પંડ્યા બેંક ઓફ બરોડાના નિવૃત્ત મેનેજર છે. ગત 8 નવેમ્બર 2025ના રોજ તેઓએ પેન્શન લાઈફ સર્ટિફિકેટ માટે BOBની વેબસાઈટ પર ડેટા અપલોડ કર્યો હતો. ત્યારબાદ એક અજાણ્યા શખ્સે ફોન કરી સર્ટિફિકેટ વેરિફિકેશન માટે વોટ્સએપ પર વીડિયો કોલ કરવા જણાવ્યું હતું.

🧐શાતિર રીતે કરાવી સ્ક્રીન શેર:

ઠગોએ વીડિયો કોલ દરમિયાન પરેશભાઈની સ્ક્રીન શેર કરાવી એક ફોર્મ ભરાવ્યું હતું. ત્યારબાદ “આ તમારું સર્ટિફિકેટ છે” તેમ કહી એક જોખમી APK ફાઈલ ડાઉનલોડ કરાવી હતી. સર્વર ડાઉન હોવાનું બહાનું બતાવી ઠગોએ અંદાજે 38 મિનિટ સુધી સ્ક્રીન શેરિંગ ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન પરેશભાઈની પત્નીને શંકા જતાં તેઓએ તુરંત કોલ ડિસ્કનેક્ટ કર્યો અને બેંક ખાતા ફ્રીઝ કરાવ્યા હતા.

⚠️પરંતુ મોડું થઈ ગયું હતું:

પરેશભાઈએ તમામ ડિજિટલ સુવિધાઓ બંધ કરાવી ત્યાં સુધીમાં ઠગોએ તેમના બે અલગ-અલગ બેંક ખાતામાંથી ₹5-5 લાખ મળી કુલ ₹10 લાખ ઉપાડી લીધા હતા. આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા મોબાઈલ નંબર ધારક અને બેંક ખાતાધારકો વિરુદ્ધ આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

🫵કોઈપણ અજાણી વ્યક્તિના કહેવાથી મોબાઈલમાં APK ફાઈલ ડાઉનલોડ કરવી કે સ્ક્રીન શેર કરવી જોખમી સાબિત થઈ શકે છે.

Trending

Exit mobile version